વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં જન્મદિવસને યાદગાર બનાવવા ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ સુસજ્જ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : આગામી તા.17 સપ્ટેમ્બરનાં રોજ વડાપધાન નરેન્દ્રભાઈ મોદીનાં જન્મદિવસને અનુલક્ષીને રાજ્યનાં તમામ કર્મચારી મંડળો દ્વારા આગામી તા.16 સપ્ટેમ્બરનાં રોજ વિવિધ સ્થળોએ મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જે અનુસંધાને ગુજરાત રાજ્ય કર્મચારી મંડળ સંયુક્ત મોરચો, જિલ્લો સુરત દ્રારા પણ 1,00,000 કરતાં વધુ બ્લડ યુનિટ ભેગુ કરી વિશ્વવ્યાપી નવો કિર્તીમાન સ્થાપિત કરવાનો નિર્ધાર કરેલ છે ત્યારે ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘે આ લક્ષ્યાંકને પાર પાડવા જોરશોરથી તૈયારીઓ આરંભી દીધી છે.
‘નમો કે નામ રક્તદાન’ કાર્યક્રમને અપેક્ષિત પ્રતિસાદ સાથે સફળતા મળે એ માટે આજરોજ ઓલપાડ ખાતેનાં ખૂંટાઈ માતાનાં મંદિર પરિસરમાં રાજ્ય કક્ષાનાં વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ સાથે ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલની રાહબરી હેઠળ શિક્ષક સંઘનાં પ્રતિનિધિમંડળે મુલાકાત કરી હતી. સંઘનાં મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર તેમની સમક્ષ સ્થાનિક આયોજનનો ચિતાર રજૂ કર્યો હતો. સાથે સર્વશ્રી બ્રિજેશ પટેલ, ચિરાગ પટેલ, હર્ષદ ચૌહાણ તથા દેવાંગશુ પટેલ જોડાયા હતાં. આ તકે મુકેશભાઈ પટેલે રાજ્યભરનાં શિક્ષક ભાઈ-બહેનોની તત્પરતાની સરાહના કરી અભિનંદનનાં શબ્દો વ્યક્ત કર્યા હતાં. આ સાથે તેમણે સદર અભૂતપૂર્વ રક્તદાન કાર્યક્રમમાં દરેક જાગૃત નાગરિકને સહભાગી થવા અને ઈચ્છિત યોગદાન આપવા માટે આહવાન કર્યુ હતું. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
