ઓલપાડનું ઞૌરવ: કઠોદરા પ્રાથમિક શાળાનાં ઉપશિક્ષિકા ડૉ.હેમલતા પરમાર આઉટ સ્ટેન્ડિંગ એજ્યુકેટર એવોર્ડથી સન્માનિત
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કઠોદરા ગામની પ્રાથમિક શાળાનાં શિક્ષિકા ડૉ. હેમલતા પરમારને આઉટ સ્ટેન્ડિંગ એજ્યુકેટર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. ડૉ. હેમલતા પરમાર પોતાની કઠોદરા શાળામાં શ્રેષ્ઠતમ શિક્ષણ કાર્ય સાથે શિક્ષણમાં વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી, સાંસ્કૃતિક પ્રવૃત્તિ તથા રમત ગમત ક્ષેત્રે બાળકોને મોકળું મેદાન પૂરું પાડી જીવન જીવવાની સાચી રાહ ચીંધી રહ્યાં છે. તેઓએ પોતાનાં રસનાં ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ કરી પીએચ.ડી. અભ્યાસ સાથે રાજ્યકક્ષાએ રિસોર્સ પર્સનની કામગીરી પણ નિભાવી છે. સાહિત્ય ક્ષેત્રે પણ નોંધપાત્ર ફાળો આપ્યો હોય ખેલમહાકુંભમાં ચેસ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ રહી સુરત જિલ્લાનું રાજ્યકક્ષાએ પ્રતિનિધિત્વ કર્યું છે. આવી વિશિષ્ટ કામગીરી બદલ રોટરી ક્લબ ઓફ સુરત દ્વારા તેમને તાજેતરમાં શિક્ષકદિન નિમિત્તે મૌની ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાયેલ ગુરુ વંદના 3.0 કાર્યક્રમ અંતર્ગત આઉટ સ્ટેન્ડિંગ એજ્યુકેટર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. તેમની આ ઉપલબ્ધિ બદલ ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવ પટેલ, મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર, ઉપપ્રમુખ સતિષ પરમાર, શાળા પરિવાર, ગામ અને વિસ્તારનાં આગેવાનો સહિત મિત્રમંડળે અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
