સોનગઢ ખાતે જિલ્લા કક્ષાનો ૭૬મો વન મહોત્સવ ધામધૂમથી યોજાયો

Contact News Publisher

એક પેડ માં કે નામ અભિયાનની તાપી જિલ્લામાં વૃક્ષારોપણની નોંધ રાષ્ટ્રીય સ્તરે લેવામાં આવી: મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૦૪. તાપી જિલ્લાના સોનગઢ ખાતે નગરપાલિકા રંગ ઉપવનમાં જિલ્લા કક્ષાનો ૭૬મો વન મહોત્સવ કાર્યક્રમ યોજાયો. પર્યાવરણ જાળવણી અને ‘લીલુંછમ ગુજરાત‘, ‘વૃક્ષ વાવો પ્રદુષણ હટાઓ‘ અને ‘એક પેડ માં કે નામ’ જેવાં ઉમદા હેતુસર જિલ્લામાં ૭૬મો વન મહોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્ય કક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતી, આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગ, ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સૌને ચંદનના રોપા મહાનુભાવોને ભેટ આપી ક્લીન ગુજરાત ગ્રીન ગુજરાતનો સંદેશ ફેલાવ્યો હતો. કાર્યક્રમના અંતે સોનગઢ નગરપાલિકા ગાર્ડનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.


આ સમારંભમાં મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનતા જણાવ્યું હતું કે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે વન મહોત્સવને ફક્ત ગાંધીનગરમાં ઉજવવાની પ્રથાને બદલી ગુજરાતના ખૂણે ખૂણે ઉજવાય તેવુ આયોજન કર્યું હતું. આ પ્રથાના ફળ સ્વરૂપે આજે આપણે તાપી નદીના કાંઠે પ્રકૃતિની ગોદમાં આવેલા આપણા જિલ્લામાં વન મહોત્સવ વનના ખરેખર હકદાર એવા આપ સૌ આદિવાસી ભાઈઓ બહેનોની વચ્ચે ઉજવી રહ્યા છીએ. આગળ તેમણે જણાવ્યું હતું કે ‘એક પેડ માં કે નામ ૨.૦’ અભિયાન હેઠળ આપણી માતા વૃક્ષ રૂપે હંમેશા માટે અમર રહે તેવી લાગણી જોડી. આવા ઉમદા ખયાલથી આપણે પર્યાવરણનું મહત્વ સમજ્યા. આ અભિયાનમાં તાપી જિલ્લો સતત બે વર્ષથી અવ્વલ રહ્યો છે. વધુમાં મંત્રીશ્રીએ તાપી જિલ્લાની જનતાને ઉદ્દેશીને જણાવ્યું હતું કે આપણે સૌ પ્રકૃતિને ખોળે રહેતા માનવી છીએ આપણે જંગલની વિશેષ કાળજી લેવી જોઈએ.

સમારંભમાં વૃક્ષોના જતન કરવા માટે ગ્રામ પંચાયતોને વન વિભાગ દ્વારા ગ્રાન્ટ એનાયત કરવામાં આવી હતી. વૃક્ષ વાવી હરિયાળી ધરતીનો સંદેશો આપતો તાપી જિલ્લાની ‘એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ ૭૦૦૦ વૃક્ષો એક સાથે રોપ્યા જેની રાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવાઈ હતી.

ચાલુ વર્ષે તાપી જિલ્લામાં ૨૮૦૦ હેક્ટરમાં ૨૨.૯૦ લાખ રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે. તેમજ સોનગઢ તાલુકામાં કવચવન, નમોવન,ગરૂડા ગાર્ડન, વન કુટીર બનાવવાના આયોજન હાથ ધરવામાં આવેલા છે. તેમજ ૮૫૦ હેક્ટર જમીનમાં સોનગઢ તાલુકામાં રોપા વિતરણનું આયોજન કરાયું છે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જાલમસિંહ વસાવા, ધારાસભ્ય ડૉ. જયરામ ગામીત તેમજ શ્રી મોહનભાઈ કોંકણી, શ્રી સૂરજ વસાવા તેમજ સોનગઢ નગરના તમામ કોર્પોરેટરો, કાર્યકર્તાઓ ઉત્સાહપૂર્વક હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે DCF શ્રી સચિન ગુપ્તા, ACF શ્રી શ્રીકાંત કોલ્ગેન્દ્રે, IFS સુશ્રી ઉપમા જૈન તેમજ તમામ RFOએ વન સંરક્ષક, સુરત વર્તુળ અને સામાજિક વનીકરણ, ભરૂચના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
——

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *