VNSGUના સમાજશાસ્ત્ર વિભાગમાં જાતીય સંવેદનશીલતા અને POSH અધિનિયમ-૨૦૧૩ અંગે વર્કશોપ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. કે.એન. ચાવડા સાહેબની પ્રેરણાથી તથા રજીસ્ટ્રારશ્રી ડૉ. રમેશદાન ગઢવી સાહેબ અને સમાજશાસ્ત્ર વિભાગના વડાશ્રી ડૉ. એમ.એન. ગાયકવાડ સાહેબના માર્ગદર્શન હેઠળ સમાજશાસ્ત્ર વિભાગ અંતર્ગત ચાલતા એમ.એસ.ડબલ્યુ. પ્રોગ્રામ દ્વારા તા. ૩ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ મહિલા અને બાળ વિકાસ કચેરી, સુરતના સહયોગથી ‘જાતિય સંવેદનશીલતા અને કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી (અટકાયત, પ્રતિબંધ અને નિવારણ) અધિનિયમ-૨૦૧૩’ વિષયક વર્કશોપનું આયોજન સમાજશાસ્ત્ર વિભાગના સેમિનાર હોલ ખાતે કરવામાં આવ્યું હતું. વર્કશોપની શરૂઆતમાં સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. એમ.એન. ગાયકવાડે પોતાના પ્રાસંગિક ઉદ્દબોધનમાં વર્કશોપના વિષયની મહત્વતા પર ભાર મૂક્યો હતો તેમજ વિદ્યાર્થીઓને આવા કાર્યક્રમોમાં સક્રિય ભાગ લેવાની પ્રેરણા આપી હતી. ત્યારબાદ કાર્યક્રમના મુખ્ય વક્તાઓ પૈકી મહિલા અને બાળ વિકાસ કચેરી, સુરતના અધિકારી શ્રીમતી સ્મિતા પટેલે પોતાનું પ્રેઝન્ટેશન રજુ કર્યું હતું. જેમાં તેમણે જાતિય સમાનતા, મહિલાઓ પ્રત્યે આદરભાવ તથા સંવેદનશીલ વર્તન અને વ્યવહારથી સમાજમાં મહિલાઓ માટે સૌહાર્દપૂર્ણ વાતાવરણ કેવી રીતે સર્જી શકાય તે અંગે વિવિધ ઉદાહરણો આપી માર્ગદર્શન આપ્યું હતું. વર્કશોપના બીજા સત્રમાં મુખ્ય વક્તા ઍડવોકેટ ડૉ. હેતલબેન રામાણીએ PPTના દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી POSH અધિનિયમ, 2013નો ઇતિહાસ, હાલની કાયદાકીય સ્થિતિ, કમિટીની રચના, તેના કાર્યો તથા ફરિયાદ પ્રક્રિયા અંગે વિસ્તૃત માહિતી આપી હતી. વક્તાશ્રીઓના પ્રેઝન્ટેશન બાદ વિદ્યાર્થીઓ તથા અધ્યાપકો સાથે પ્રશ્નોત્તરી સત્ર યોજાયું, જેમાં વર્કશોપના વિષય પર ચર્ચા થઈ અને નિષ્ણાતોએ તેમના પ્રશ્નોના સચોટ તથા સંતોષકારક જવાબ આપ્યા હતા. આ સમગ્ર વર્કશોપનું આયોજન અને સંચાલન એમ.એસ.ડબલ્યુ. પ્રોગ્રામના અધ્યાપક શ્રી નવીનકુમાર રોહિત દ્વારા કરવામાં આવ્યું હતું. વર્કશોપના અંતે તેમણે આભારવિધિ વ્યક્ત કરતાં વર્કશોપ આયોજનમાં સહયોગ આપવા બદલ સુરત જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી અને દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી શ્રી ધર્મેશ વસાવા તથા જિલ્લા મિશન કૉ-ઓર્ડીનેટર શ્રીમતી સ્મિતા પટેલ, DHEW ટીમના જેન્ડર સ્પેશિયલિસ્ટ શ્રી મહેશ પરમારનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. વર્કશોપમાં અધ્યાપકો સહીત કુલ ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

