વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં જન્મદિવસ નિમિત્તે મહા રક્તદાન કેમ્પનાં સુચારુ આયોજન અર્થે ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા યોજાઈ

Contact News Publisher

શિક્ષકઞણનાં પ્રેરણાદાયી અભિગમને પ્રોત્સાહિત કરવા સભામાં ઓલપાડ તાલુકા ભાજપા પ્રમુખ કુલદીપસિંહ ઠાકોરની પ્રેરક ઉપસ્થિતિ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) :  ગુજરાતનાં પનોતા પુત્ર અને ગુજરાતનું ગૌરવ, ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી અને હાલમાં દુનિયામાં જેમનાં નામનો ડંકો વાગી રહ્યો છે તેવાં આપણા દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આગામી ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૫ નાં રોજ જન્મદિવસ હોઈ ગુજરાત રાજય કર્મચારી મહામંડળ સંલગ્ન ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તેમનાં જન્મદિવસને વધાવવા તથા યાદગાર બનાવી રાષ્ટ્રને મદદરૂપ થવા દરેક તાલુકા તથા જિલ્લા મથકે મહા રક્તદાન કેમ્પ યોજી ઉજવણી કરવાનું નક્કી કરેલ છે. જેનાં અનુસંધાને ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સદર કેમ્પનાં સુચારુ આયોજન અર્થે અત્રેનાં તાલુકા પંચાયત સભાખંડ ખાતે કારોબારી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલની અધ્યક્ષતા અને ઓલપાડ તાલુકા ભાજપા પ્રમુખ કુલદીપસિંહ ઠાકોરની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ આ સભામાં સમગ્ર રાજ્યમાં એક જ દિવસે તા.૧૬/૯/૨૦૨૫ ને મંગળવારનાં રોજ આ મહા રક્તદાન કેમ્પમાં અપેક્ષિત ટાર્ગેટ કરતાં પણ વધુમાં વધુ યુનિટ રક્ત એકત્ર થાય અને અભૂતપૂર્વ કિર્તીમાન સર્જાય તે બાબતે વિચાર વિમર્શ હાથ ધરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલે જણાવ્યું હતું કે આ સેવાકીય પ્રવૃત્તિ દ્વારા ગુજરાતનાં પનોતા પુત્ર અને દેશનાં શક્તિશાળી વડાપ્રધાન, શિક્ષકોનાં પ્રેરણાસ્રોત, કર્મચારીઓનાં અનેક પ્રશ્નો ઉકેલી ગુજરાતમાં વર્ષો સુધી સુશાસન આપી રાષ્ટ્ર સ્તરે છેલ્લાં ૧૧ વર્ષોથી વડાપ્રધાનપદ શોભાવી રહેલાં, સમગ્ર દુનિયાને પ્રેરણારૂપ એવાં નરેન્દ્રભાઈ મોદીનાં જન્મદિવસની ઉજવણીની ભેટ રક્તદાન થકી થાય એવી શિક્ષક આલમની ઉત્સુક્તા છે. તેમણે શિક્ષકોની સાથોસાથ અન્ય વિભાગનાં કર્મચારીઓ, શાળા વ્યવસ્થાપન સમિતિ, વાલીજનો, યુવક મંડળો, મહિલા મંડળો કે અન્ય સેવાભાવી સંસ્થાઓ પણ આ મહાયજ્ઞમાં ઉત્સાહભેર જોડાય એવું યોગ્ય સંકલન હાથ ધરવા અનુરોધ કર્યો હતો.

આ તકે ભાજપા પ્રમુખ કુલદીપસિંહ ઠાકોરે રાજ્યનાં પ્રાથમિક શિક્ષકગણની સરાહના કરી ઓપરેશન સિંદૂરની સફળતા સંદર્ભે વડાપ્રધાનને રિટર્ન ગિફ્ટરૂપે સદર મહા રક્તદાન કેમ્પને અપેક્ષિત પ્રતિસાદ સાંપડશે એવી આશા વ્યક્ત કરી હતી. અંતમાં સંઘનાં મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોરે આ મહા રક્તદાન કેમ્પને સામાજિક અભિયાનરૂપે નીરખી તેને સફળતાપૂર્વક પાર પાડવાની શુભેચ્છા સાથે ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટ: વિજય પટેલ (ઓલપાડ)

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *