પ્રોજેક્ટ ‘વિજ્ઞાન સેતુ અંતર્ગત ‘તાપી કે તારે’ શ્રીહરિકોટા ખાતે ઈસરોના પ્રેરણાદાયક પ્રવાસે
એક અનોખો સંયોગ : ડૉ. વિક્રમ સારાભાઈની ૧૦૬મી જન્મજયંતિ પર તાપીના તારલાઓએ ઈસરોની મુલાકાત લીધી
–
અત્યંત દુર્લભ અને પ્રેરણાદાયી ક્ષણ : અવકાશ વિજ્ઞાન અને ભારતની વૈજ્ઞાનિક સિદ્ધિઓને નજીકથી જાણવાનો અમૂલ્ય અનુભવ મેળવ્યો
—
કેન્દ્રમાં આવેલા બે મુખ્ય લોન્ચ પેડ : પીએસએલવી અને જીએસએલવી રોકેટ્સના પ્રક્ષેપણ કાર્ય, વિશિષ્ટ લોન્ચ પેડ અને પેલોડ્સના એસેમ્બલી, ઇન્ટિગ્રેશન અને લોન્ચ પ્રક્રિયાની પણ લીધી મુલાકાત
–
વિદ્યાર્થીઓને ઈસરોના વૈજ્ઞાનિકો સાથે સીધી વાતચીત કરવાનો દુર્લભ મોકો મળ્યો
–
ઈસરોનો શૈક્ષણિક પ્રવાસ વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન, ટેકનોલોજી અને અંતરિક્ષ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા પ્રેરણા પૂરી પાડનાર અનુભવ સાબિત થયો
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : . તા.૧૨ : આદિજાતિ વિકાસ વિભાગ અને તાપી વહીવટી તંત્રના સંયુક્ત આયોજન હેઠળ પ્રોજેક્ટ ‘વિજ્ઞાન સેતુ – તાપી કે તારે’ અંતર્ગત તાપી જિલ્લાના આદિવાસી સમુદાયના ૨૮ વિદ્યાર્થીઓને એક અનોખા શૈક્ષણિક પ્રવાસનો અવસર મળ્યો હતો. ડૉ. વિક્રમ સારાભાઈની ૧૦૬મી જન્મજયંતિના અવસરે તાપીના તારલાઓએ ઈસરોની મુલાકાત લીધી હતી. જે એક પ્રેરણાદાયી અને યાદગાર સંયોગ બન્યો હતો. તેમણે શ્રીહરિકોટા સ્થિત, ‘સ્પેસપોર્ટ ઑફ ઈન્ડિયા’ તરીકે વિશ્વપ્રસિદ્ધ સતીશ ધવન સ્પેસ સેન્ટર (ઈસરો)ની મુલાકાત લીધી, જ્યાંથી ભારતના અવકાશ સપનાઓને પાંખ મળે છે. ભારતીય અંતરિક્ષ કાર્યક્રમના હૃદયસ્થળ ગણાતા આ કેન્દ્રમાં લોન્ચ બેઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અદ્યતન ટેક્નોલોજી અને વૈજ્ઞાનિક સિદ્ધિઓને વિદ્યાર્થીઓએ નજીકથી અનુભવીને જાણવાનો અનમોલ અવસર મેળવ્યો હતો.
અહીં પહોંચતા જ મિશન કંટ્રોલ સેન્ટરમાં સતિષ ધવન સ્પેશ સેન્ટર (ઈસરો) વિશે ફિલ્મ નિહાળી હતી જેના કારણે ઇસરોના પ્રારંભથી લઇ આજદિન સુધી કરવામા આવેલા ગૌરવપૂર્ણ સંસોધનો અંગે વિદ્યાર્થીઓ માહિતગાર થયા હતા. આ સાથે મોટી સ્ક્રીન્સ પર સમગ્ર લોન્ચિંગ પ્રકિયાનું મોનેટરિંગ, રૉકેટની સ્થિતિ, ઓરબીટ વિશે પણ વિદ્યાર્થીઓએ અત્યંત રસપ્રદ માહિતી પ્રાપ્ત કરી હતી.
ત્યાર બાદ વિદ્યાર્થીઓએ કેન્દ્રમાં આવેલા મુખ્ય લોન્ચ પેડ જ્યાંથી પીએસએલવી અને જીએસએલવી રોકેટ્સના પ્રક્ષેપણ કાર્ય થાય છે. વ્હિકલ એસેમ્બલી બિલ્ડિંગની મુલાકાત લીધી હતી, જ્યાં રૉકેટના વિવિધ ભાગોને જોડીને લોન્ચ માટે તૈયાર કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને સ્ટેજ-બાય-સ્ટેજ એસેમ્બલી પ્રક્રિયા અને સલામતી નિયમો વિશે સમજાવવામાં આવ્યા હતા. અને એમના ઉદ્ભવતા વિવિધ પ્રશ્નો વિશે જાણકારી મેળવી હતી.
આ સાથે વિદ્યાર્થીઓએ લોન્ચ ટાવર, ફ્યુઅલિંગ સિસ્ટમ અને કાઉન્ટડાઉન વિસ્તાર જોઈને નિહાળ્યો હતો. ઉપસ્થિત વૈજ્ઞાનિકો પાસેથી વિદ્યાર્થીઓએ સેન્ટરની મુખ્ય જવાબદારીઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી.
વૈજ્ઞાનિકો પાસેથી રૉકેટના પ્રકારો, સેટેલાઇટના ઉપયોગો, લોન્ચિંગ પ્રોસેસ, તેમજ અવકાશમાં આવતા પડકારો વિશે ઘણી નવી માહિતી મેળવી હતી. સૌથી મહત્વની બાબત એ રહી કે વૈજ્ઞાનિકોની મહેનત, શિસ્ત અને દેશપ્રેમથી પ્રેરાઈને વિદ્યાર્થીઓએ પણ ભવિષ્યમાં અવકાશવિદ્યામાં યોગદાન આપવા ઇચ્છા વ્યક્ત કરી હતી. અદ્યતન વ્યવસ્થાઓ અંગેની ચાલુ કામગીરીને નજીકથી નિહાળી વૈજ્ઞાનિકોથી પ્રભાવિત થતા હતા.
આ પ્રવાસ વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન, ટેકનોલોજી અને અંતરિક્ષ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા પ્રેરણા પૂરી પાડનાર અનુભવ સાબિત થયો હતો.
અત્રે નોંધનીય છે કે આજે જોગાનુજોગ ‘ભારતના અવકાશ યુગના પિતા’ તરીકે પ્રસિદ્ધ અને ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો)ની સ્થાપના કરનારા મહાન વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈની ૧૦૬મી જન્મજયંતિ છે. આવા વિશેષ દિવસે તાપી જિલ્લાના ૨૮ વિદ્યાર્થીઓને ઇસરોની મુલાકાત લેવાનો અવસર મળ્યો, જે અત્યંત દુર્લભ અને પ્રેરણાદાયી ક્ષણ છે. આ મુલાકાત દ્વારા વિદ્યાર્થીઓએ અવકાશ વિજ્ઞાન અને ભારતની વૈજ્ઞાનિક સિદ્ધિઓને નજીકથી જાણવાનો અમૂલ્ય અનુભવ મેળવ્યો છે.
શ્રીહરિકોટા સ્થિત ઇસરો સ્પેસ સેન્ટર ખાતે મુખ્ય ત્રણ વિભાગોની મુલાકાત લીધી
–
વિદ્યાર્થીઓએ ઇસરો ખાતે વિવિધ૧૪ જેટલા સેન્ટરો આવ્યા છે જેમાથી મુખ્ય ત્રણ સેન્ટરોની મુલાકાત તાપીના વિદ્યાર્થીઓએ લીધી હતી. જેમાં મોનિટરિંગ કંટ્રોલ સેન્ટર, રોકેટ લોન્ચ પેડ, અને એસેમ્બલી બિલ્ડીંગ જ્યા રોકેટ એન્જિનના નિર્માણ અને પરીક્ષણ પ્રક્રિયા અંગે નજીકથી અભ્યાસ કર્યો હતો. આ સાથે અવકાશીય બાબતો અને ટેક્નોલોજી વિશે જાણકારી વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર ખાતે લોન્ચ વ્હીકલ વિકાસ અંગે પ્રેરણાદાયક માહિતી મેળવી હતી.
તાપીના વિદ્યાર્થીઓનો ઇસરોના તજજ્ઞ વૈજ્ઞાનિકો સાથેનો પ્રેરક સંવાદ
–
રસપ્રદ ચર્ચામાં બાળકોની જિજ્ઞાસાવૃતિ જોઇ વૈજ્ઞાનિકોએ આશ્ચર્ય અનુભવ્યો : બાળકોની પ્રશંસા કરીને વિજ્ઞાન ક્ષેત્રે ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી
–
તાપી જિલ્લાના આદિવાસી સમુદાયના વિદ્યાર્થીઓને ઇસરોના તજજ્ઞ વૈજ્ઞાનિકો સાથે સીધો સંવાદ કરવાની અનોખી તક મળી હતી. આ તકને ઝડપી લેતા વિદ્યાર્થીઓએ રોકેટ લોન્ચ પ્રક્રિયાથી લઈને અંતરિક્ષના અદ્ભુત દ્રશ્યો સુધીના અનેક મૂંઝવણો, પ્રશ્નો વૈજ્ઞાનિકોને પૂછ્યા હતાં. આ રસપ્રદ ચર્ચામાં બાળકોની જિજ્ઞાસા જોઈને ઇસરોના વૈજ્ઞાનિકોએ પણ બાળકોની પ્રશંસા કરી અને ભવિષ્યમાં વિજ્ઞાન ક્ષેત્રે આગળ વધવા તથા અવકાશ વિજ્ઞાનમાં ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવીને પ્રોત્સાહિત કર્યા હતા.
શાળામાં વિજ્ઞાન વિષયક પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને આ વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ ગુણ પ્રાપ્ત કર્યા, જેના પરિણામસ્વરૂપ ૨૮ જેટલાં વિદ્યાર્થીઓને ઇસરોના પ્રવાસમાં સામેલ થવાનો અવિસ્મરણીય મોકો મળ્યો હતો.
આ પ્રવાસે માત્ર તાપી જિલ્લાના ૨૮ વિદ્યાર્થીઓને જ નહીં, પરંતુ સમગ્ર વિદ્યાર્થી વર્ગને એક સંદેશ આપ્યો કે, મહેનતનું ફળ હંમેશા મીઠ્ઠું હોય છે. દૃઢ નિશ્ચયથી આકાશની સીમાઓ પાર કરી શકાય છે. તાપીના વિદ્યાર્થીઓએ આ યાત્રા દરમિયાન મેળવેલી પ્રેરણાને પોતાના જીવનમાં ઉતારી, વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ સર કરેલો દ્રઢ સંકલ્પ તેઓની આંખોમા આબેહુબ જોઇ શકાય છે.
સરકારશ્રી અને જિલ્લા તંત્રના સંકલનથી આદિજાતિ બાળકોને મળેલી આ તક સાબિત કરે છે કે યોગ્ય માર્ગદર્શન અને અવસર મળતા દરેક બાળક પોતાની પ્રતિભા ઉજાગર કરી શકે છે.
ઈસરોના વૈજ્ઞાનિકો અને મેનેજમેન્ટના સુચારૂ સહકારથી વિદ્યાર્થીઓને અદભૂત અનુભવ મળ્યો હતો. જે તેમના ભવિષ્ય માટે પ્રકાશપંથ બની રહેશે. આ યાત્રા તાપીના તારલાઓ માટે માત્ર એક પ્રવાસ નહીં, પરંતુ સપનાઓને સાકાર કરવાની શરૂઆત છે, જ્યાં આકાશ અંત નથી, પરંતુ નવી સફરની શરૂઆત છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

