ઓલપાડની કમરોલી પ્રાથમિક શાળામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : પ્રતિ વર્ષ 9 ઓગસ્ટનાં દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ભારત સહિત ગુજરાતભરમાં કરવામાં આવે છે. વિશ્વભરનાં આદિવાસી સમુદાયોનાં હકોનું રક્ષણ ઉપરાંત તેમની આગવી સંસ્કૃતિ, બોલી, પરંપરા તથા જીવનશૈલીનું સંવર્ધન તેમજ તેમની સમસ્યાઓ તરફ સમાજનું ધ્યાન દોરવાનાં મૂળભૂત હેતુ સાથે ઉજવાતાં આ વિશેષ દિવસની ઉજવણી ઓલપાડની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકની કમરોલી પ્રાથમિક શાળામાં કરવામાં આવી હતી.
શાળાનાં મુખ્યશિક્ષિકા જ્યોતિબેન પટેલે બાળકોને આજનાં દિન વિશેષ પરત્વે અવગત કર્યા હતાં. આ પ્રસંગે બાળકો આદિવાસી જેવો પોશાક પરિધાન કરી સંગીતનાં તાલે નાચીકૂદીને આનંદિત થયા હતાં.
પ્રકૃતિનાં જતન અને આદિવાસીઓની પરંપરાઓનાં સન્માનનાં સંદેશ સાથે કરંજનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર વિજય પટેલ તથા કેન્દ્રાચાર્યા જાગૃતિ પટેલે સૌને શુભેચ્છા પાઠવી હતી.
તસવીર: વિજય પટેલ (ઓલપાડ)
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

