ઓલપાડની કુદિયાણા પ્રાથમિક શાળાનો તાલુકા કક્ષાનાં કલા મહાકુંભમાં ઝળહળતો દેખાવ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગરનાં તાબાની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, સુરત દ્વારા તાલુકા કક્ષાનાં કલા મહાકુંભ- ૨૦૨૫ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન ધ મિલેનિયમ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની કુદિયાણા પ્રાથમિક શાળાનાં શિક્ષક સહિત વિદ્યાર્થીઓએ ઝળહળતો દેખાવ કરી પોતાની શાળા તથા ગામનું નામ રોશન કરેલ છે.
અત્રે તાલુકા કક્ષાનાં કલા મહાકુંભ – ૨૦૨૫ અંતર્ગત યોજાયેલ લગ્નગીત-ફટાણા સ્પર્ધામાં શાળાનાં વિદ્યાર્થીઓ પ્રથમ ક્રમે વિજેતા બન્યા હતાં. જ્યારે ભજન અને લોકગીત સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ તૃતિય ક્રમ મેળવ્યો હતો. તદ્ઉપરાંત સુગમ સંગીત સ્પર્ધામાં શાળાનાં સંગીત શિક્ષક કુમારી હિરલ પટેલે અવ્વલ સ્થાન હાંસલ કર્યુ હતું.
આ તમામ વિદ્યાર્થીઓને ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવ પટેલ, મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર, બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ, કેન્દ્રાચાર્ય વિનોદ પટેલ તથા શાળા વ્યવસ્થાપન સમિતિએ અભિનંદન પાઠવ્યા હતાં. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

