વ્યારાની વિદ્યા ગુર્જરી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ બેગલેસ ડે અંતર્ગત વ્યારા પોલીસ મથક અને સબજેલની અવિસ્મરણીય મુલાકાત લીધી

Contact News Publisher

વિદ્યાર્થીઓને પોલીસ વિભાગની કામગીરી અને શિસ્તનું જીવંત માર્ગદર્શન પૂરું પાડ્યું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 12. જિલ્લાના વ્યારા સ્થિત શ્રી અરૂણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન સંચાલિત વિદ્યા ગુર્જરી પ્રાથમિક શાળાના ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓએ બેગલેસ ડેના અવસરે વ્યારા પોલીસ મથક અને સબજેલની મુલાકાત લીધી.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી તાપીના તા. ૩/૦૭/૨૦૨૫ ના પત્ર અનુસાર શનિવારે વિદ્યાર્થીઓ માટે બેગલેસ ડે જાહેર કરાયો છે. આ અનુસંધાને શાળાના વિદ્યાર્થીઓને પોલીસ વિભાગની કામગીરીની રૂબરૂ જાણકારી મેળવવા માટે મુલાકાત કરાવવામાં આવી.

વિઝિટ દરમિયાન વ્યારા શહેરના ડીવાયએસપી શ્રી પી.જી. નરવડેએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા પોલીસ વિભાગની વિવિધ કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે બાળકોને ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરનું ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે નાની ઉમરે જ પોતાનું લક્ષ્ય નક્કી કરી, અભ્યાસ અને કુશળતા પ્રાપ્ત કરી શ્રેષ્ઠ કારકિર્દી બનાવી શકાય. તેમણે બાળકોના પ્રશ્નોના ઉત્સાહભર્યા જવાબ આપ્યા અને વિદ્યાર્થીઓને પણ શિક્ષણ સાથે શિસ્તનું મહત્વ સમજાવ્યું હતું.

આ ઉપરાંત ASI શ્રી સુદર્શનભાઈ સુભાષભાઈ અને PI રાઇટર શ્રી દિનેશભાઈએ પણ વિદ્યાર્થીઓને પોલીસ વિભાગના દિનચર્યાની કામગીરી, અધિકારીઓની જવાબદારીઓ અને વિવિધ હથિયારોથી પરિચય આપી, સલામતી અને કાયદા વ્યવસ્થાની સમજ આપી હતી.

ત્યારબાદ વિદ્યાર્થીઓએ વ્યારા સબજેલની મુલાકાત કરી, જેલ વ્યવસ્થા અને કાયદાકીય પ્રક્રિયાની માહિતી મેળવી હતી. વિદ્યાર્થીઓ અને શાળાના સ્ટાફે કાર્યક્રમ દરમ્યાન ઉત્તમ શિસ્ત અને ઉત્સાહ દર્શાવ્યો હતો.

આ પ્રસંગે શ્રી અરૂણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાનના ટ્રસ્ટી શ્રી કેયુરભાઈ શાહની ધર્મપત્ની શ્રીમતી રૂપલબેન શાહ પણ શાળાના પરીવાર સાથે જોડાઈને બાળકોને ઉત્સાહિત કર્યા હતા.

આ જાગૃતિમૂલક કાર્યક્રમ અંતે શાળાના સંપૂર્ણ પરીવારે વ્યારા પોલીસ મથક તથા સબજેલ પરિવારનો આભાર વ્યક્ત કરી, આવા કાર્યક્રમો રોજિંદી શિક્ષણ ઉપરાંત બાળકોમાં નાગરિક જાગૃતિ અને જવાબદારીની ભાવના વિકસાવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *