વ્યારાના ઝાંખરી ગામના ઈશ્વરભાઈ ૬ વીંઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરે છે
પોતાની ઉપજના મોટાભાગનો ડાંગર પરિવારજનો અને પરિચિતોને મફતમાં આપી આનંદ માણે છે
–
કુદરતી પદ્ધતિથી ખેતી કરી આરોગ્યપ્રદ અનાજ ઉપજાવતા અને સગાસંબંધી સાથે ખુશી વહેંચતા ખેડૂત ઈશ્વરભાઈનું અનોખું જીવન
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૮. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઝાંખરી ગામના ખેડૂત ઈશ્વરભાઈ શાંતીલાલ ગામીત છેલ્લા કેટલાય વર્ષોથી ખેતી કરી રહ્યા છે. પરંતુ ૨૦૧૯થી તેમણે પોતાના ૬ વીંઘા જમીનમાં સદંતર પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે.આ વર્ષે તેમણે આ જમીનમાં કેળ, રીંગણ અને ડાંગરની વાવણી કરી છે. ઈશ્વરભાઈ જણાવે છે કે એક વખત તેમનો સમગ્ર પાક નિષ્ફળ ગયો હતો. પ્રાકૃતિક ખેતી કરવી હોય તો તમારે ચપળ રહેવું પડે, રાસાયણિક ખેતીમાં તમે સસલાને કાચબાની વાર્તા માફક બેસી રહો તો ચાલે, પરંતુ પ્રાકૃતિક ખેતીમાં ચોકકસ સમય પર જ કેટલાક કાર્ય થવા જોઈએ અને તે સમય ચુકી જઈએ તો નિષ્ફળતા મળે છે. નીમાંસ્ત્ર, અગ્નીસ્ત્ર અને બ્રહ્માસ્ત્ર બનાવીને અગાઉથી તૈયાર રાખવું પડે. જીવાત પડે તેની રાહ જોઈ શકાય નહિ.
આ વર્ષે તેમણે રીંગણ માંથી ૨૦ હજાર, કેળમાંથી ૪૦ હજાર અને ચોખા માંથી ૧૫ હજાર આમ કુલ રૂ.૭૫ હજારની આવક કરી હતી. ઈશ્વરભાઈની ખાસ વાત એ છે કે ઉપજેલો મોટા ભાગનો ડાંગર તેઓ પરિવારજનો, સગાસંબંધી અને પરિચિતોને મફતમાં આપી દે છે. જ્યારે કોઈ પૂછે કે મફતમાં આપી દેતાં ખોટ ન આવે ? ત્યારે ઈશ્વરભાઈનો સરળપણા સાથેનો જવાબ હોય છે “પ્રાકૃતિક ખેતીમાં કોઇ પ્રકારનો મોટો ખર્ચ જ નથી થતો, જે મળે એ વહેંચીને જીવવું એ સાચું સુખ છે.
તેમના પુત્ર અને પુત્રવધુ સુરત રહે છે. ત્યાં પણ પ્રાકૃતિક ચોખાની ખાસ માંગ છે. એમનું કહેવું છે કે પ્રાકૃતિક ખેતીથી પાકેલું અનાજ ટેસ્ટમાં પણ મીઠું અને તંદુરસ્તી માટે શ્રેષ્ઠ હોય છે.
આવી કૃષિ પદ્ધતિથી ખેડૂત નફોના કરતા સંતોષ અને લાગણીથી જીવતા હોય છે. પ્રાકૃતિક ખેતી એ કેવળ ખેતી નહીં પણ કુદરત સાથે જીવવાનો અભ્યાસ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

