ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા બુથ લેવલ ઓફિસર (BLO) ની નિમણૂંક બાબતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : રાજયનાં ચૂંટણી અધિકારીનાં તારીખ ૦૯/૦૬/૨૦૨૫ નાં પત્ર અન્વયે પ્રાથમિક શિક્ષકોનાં બુથ લેવલ ઓફિસર (BLO) તરીકે હુકમો થયેલ છે. જેમાંની કેટલીક વિસંગતતા સંદર્ભે આજરોજ પ્રાંત અધિકારી તથા મામલતદારને ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં જણાવાયું હતું કે પત્રની સૂચના નંબર ૧.૧ ને ધ્યાને લઈ વધુમાં વધુ પ્રાથમિક શિક્ષકોનાં
હુકમો થયેલ છે. અત્યાર સુધી પ્રાથમિક શિક્ષકોની ફરજનાં સ્થળે હુકમો થયેલ હતાં, જેમાં શિક્ષકોનો શાળા સમય ૧૦:૩૦ થી ૫:૦૦ સુધીનો છે. જેમાં તે શાળા સમય પહેલા કે શાળા સમય બાદ થોડો સમય રોકાઈને અથવા તો રિશેષનાં સમયે પણ આ કામગીરી કરતાં આવેલ છે. હવે તેનાં રહેઠાણનાં સ્થળે કામગીરી કરવાની થાય તો તે ફરજ ઉપરથી મોટાભાગે અપડાઉન કરતા હોય સાંજે મોડા પહોંચે અને સવારે વહેલાં નીકળે તો કામગીરી યોગ્ય રીતે થઈ શકે એમ જ નથી અને બીજીતરફ શિક્ષિકા બહેનો માટે તો આ કામગીરી કરવી અશકય જ છે. જેથી અમારી માંગણી છે કે માત્ર ૧.૧ ની સૂચનાઓને જ ધ્યાને લેવાય તેનાં બદલે ૧.૨ અને ૧.૩ ની સૂચના મુજબ અન્ય કેડરનાં કર્મચારીઓને બુથ લેવલ ઓફિસર (BLO) તરીકે નિમણૂંક આપવામાં આવે. બીજું કે એક જ શાળામાંથી ત્રણ થી ચાર શિક્ષકોનાં હુકમ હુકમ થયેલ હોઈ તે ધ્યાને લઈ એક શાળામાંથી એક જ શિક્ષકને સદર કામગીરી સોંપવામાં આવે તથા વર્ષોથી આ કામગીરી કરતાં શિક્ષકોને પણ મુક્ત કરી અન્ય કેડરનાં કર્મચારીઓની નિમણૂંક કરવા બાબતે આપની કક્ષાએથી ત્વરિત સૂચના થવા વિનંતી છે.
ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલની આગેવાનીમાં મામલતદાર કચેરી, ઓલપાડ ખાતે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ, તાલુકા સંઘનાં મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર, પ્રદીપસિંહ સોલંકી તથા રાકેશ પટેલ સહિતનાં હોદ્દેદારો સદર આવેદનપત્ર પાઠવવા ઉપસ્થિત રહ્યા હતાં.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

