ઘી ઓલપાડ તાલુકાનાં પ્રાથમિક શિક્ષકોની મર્યાદિત જવાબદારીવાળી પરસ્પર સહકારી શાખવાળી મંડળી લી.ની ૧૦૦મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઘી ઓલપાડ તાલુકાનાં પ્રાથમિક શિક્ષકોની મર્યાદિત જવાબદારીવાળી પરસ્પર સહકારી શાખવાળી મંડળી લી. ઓલપાડની ૧૦૦ મી વાર્ષિક સાધારણ સભા મંડળીનાં પ્રમુખ કિરીટભાઈ પટેલનાં અધ્યક્ષસ્થાને બી.આર.સી. ભવન ઓલપાડ ખાતે મળી હતી. સભાની શરૂઆત અમદાવાદ વિમાની દુર્ઘટનાનાં મૃતકોને શ્રધ્ધાંજલિ આપીને કરવામાં આવી હતી. સભામાં મંડળીનાં મુખ્ય સેક્રેટરી મહેશભાઈ પટેલે ઉપસ્થિત સૌને શાબ્દિક આવકાર આપ્યો હતો. બીજા જોઈન્ટ સેક્રેટરી શશીકાંત પટેલે સભાનાં રજૂ કરેલ તમામ એજન્ડા સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતાં.
આ પ્રસંગે મંડળીનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ તથા ઉપપ્રમુખ બળદેવભાઈ પટેલે પોતાનાં પ્રાસંગિક ઉદબોધનમાં મંડળીનાં વિકાસનાં ચિતારની સાથે મંડળીનાં ભવિષ્યનાં પારદર્શક વહીવટ અને તેનાં પરનાં સભાસદોનાં અતૂટ વિશ્વાસ અંગેની વાતો કરી હતી. દરેક સભાસદ શિક્ષક ભાઈ-બહેનો માટે આશીર્વાદરૂપ આ મંડળીમાં ચાલુ વર્ષે નફાની વહેંચણી બચત થાપણ ઉપર ૬ ટકા જયારે શેર ડિવિડન્ડની ફાળવણી ૯ ટકા પ્રમાણે કરવામાં આવી છે એમ જોઇન્ટ સેક્રેટરી ભરતભાઈ પટેલે જાહેર કર્યુ હતું.
આ પ્રસંગે તાલુકાનાં નિવૃત પ્રાથમિક શિક્ષકો ભાઈ-બહેનોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ સભાસદ ભાઈ-બહેનોનાં ધો-૧૦ અને ધો-૧૨ માં વિશેષ સિધ્ધિ મેળવેલ સંતાનોને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. અંતમાં વિહારા પ્રાથમિક શાળાનાં આચાર્ય પ્રદીપસિંહ સોલંકીએ આભારવિધિ આટોપી હતી.
તસવીર: વિજય પટેલ
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

