ધરતી આબા જનબાગીદારી અભિયાન અંતર્ગત ચાલી રહેલ કેમ્પની કલેક્ટરે કરી મુલાકાત : લાભાર્થીઓ સાથે સંવાદ સાધી યોજનાકિય લાભોનું વિતરણ કર્યું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૩. તાપી જિલ્લામાં ચાલી રહેલા ‘ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન’ અંતર્ગત ૧૫ જુલાઈ ૨૦૨૫ સુધી અલગ-અલગ ગ્રામ પંચાયતોમાં જનભાગીદારી કેમ્પોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સમગ્ર જિલ્લામાં ૭ તાલુકા અને ૩૬૯ ગામોમાં વિવિધ સરકારી યોજનાઓના લાભો પહોચાડવા માટે યોજાયેલા આ અભિયાનમાં નાગરિકોની ઉત્સાહ પૂર્વક ભાગીદારી નોંધાઈ રહી છે.
આજ રોજ વ્યારા તાલુકાના તાડકુવા તથા સોનગઢ તાલુકાના ટાપરવાડા પ્રાથમિક શાળામાં યોજાયેલા ધરતી આબા જનભાગીદારી કેમ્પમાં જિલ્લા કલેકટરશ્રી ડૉ. વિપિન ગર્ગ અને પ્રયોજન વહીવટદારશ્રી જ્યંતસિંહ રાઠોડે મુલાકાત કરી સ્થળ પર જ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
કલેક્ટરશ્રીએ વિભિન્ન વિભાગો દ્વારા મૂકવામાં આવેલ સ્ટોલની મુલાકાત લીધી હતી અને અધિકારીઓ તથા કર્મચારીઓને યોગ્ય માર્ગદર્શન આપી, કામગીરીમાં વધુ કાર્યક્ષમતા લાવવાની સૂચનાઓ આપી હતી. ઉપરાંત, દરેક સ્ટોલ ઉપર યોજનાના લાભો અંગે નાગરિકોને યોગ્ય માહિતગાર કરી, વ્યવસ્થિત રીતે કામગીરી કરવા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ અવસરે કલેક્ટરશ્રી ડૉ. વિપિન ગર્ગ અને પ્રયોજન વહીવટદારશ્રીએ લાભાર્થીઓ સાથે હૃદયપૂર્વક સંવાદ સાધ્યો હતો. તેમણે લાભાર્થીઓની સમસ્યાઓ સાંભળી, સમસ્યાનું તત્કાલ નિરાકરણ કરવા વિભાગિય અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. સાથે સાથે કલેક્ટરશ્રીએ આયુષ્માન કાર્ડ, આધાર કાર્ડ, મા કાર્ડ, કિશાન સન્માન નિધી યોજના,જાતિ પ્રમાણ પત્ર,વીજ જોડાણ, સહિત જોબ કાર્ડ જેવી યોજનાઓ અને અન્ય લાભોનું વિતરણ કર્યું હતુ.
કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, સરકારશ્રીના માર્ગદર્શન મુજબ દરેક નાગરિક સુધી સરકારી યોજનાઓના લાભો પહોંચે તે માટે આ અભિયાન યોજાયું છે. નાગરિકોને સહજ રીતે આ યોજનાઓનો લાભ મળે, તેમનું જીવનધોરણ ઉચું આવે અને સામાજિક-આર્થિક સુધારો આવે તે માટે તંત્ર પ્રતિબદ્ધ છે.
આ પ્રસંગે ગ્રામજનો, લાભાર્થીઓ તથા સ્થાનિક આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.વિવિધ વિભાગોના સ્ટોલો ઉપર યોજનાકીય માહિતીઓ મેળવી, અરજીઓ નોંધાવી અને લાભો પ્રાપ્ત કરતાં નાગરિકોનો ઉત્સાહ જોવાલાયક હતો.
અભિયાન અંતર્ગત સમગ્ર જિલ્લામાં ક્લસ્ટર મુજબ દિનચર્યામાં વિવિધ ગામોમાં જનજાગૃતિ, લાભવિતરણ તથા પ્રશાસન-પ્રજાની સહભાગીતાથી કાર્યક્રમો યોજાઈ, અસરકારક પરિણામો મળી રહ્યા છે.
000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
