NDRF ટીમ વડોદરા દ્વારા મોસાલી પ્રાથમિક શાળા ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો

તસ્વીર : વિજય પટેલ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : માંગરોળ તાલુકાની મોસાલી પ્રાથમિક શાળા ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત તાલીમ/જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજુબાજુનાં ગ્રામજનો, સરપંચો, મોસાલી પ્રાથમિક શાળા તથા હાઈસ્કૂલનાં બાળકો, માંગરોળ પોલીસ સ્ટેશનનો સ્ટાફ, આંગણવાડી સ્ટાફ, તલાટી કમ મંત્રી સહિત માંગરોળનાં મામલતદાર ડો.હિતેશ ચાવડા, નાયબ મામલતદાર જે.વી. ભદોરીયા, સરપંચ સવિતાબેન વસાવા, પંચાયત સદસ્ય ચંદ્રવદન પરમાર, ઐયુબભાઈ ભૂલા, આસિસ્ટન્ટ કમાન્ડર એનડીઆરએફ યોગેશકુમાર મીના, ચીફ મેડિકલ ઓફિસર એનડીઆરએફ ડો.સતવીર જાજરા, બીઆરસી કો-ઓર્ડિનેટર હીરાભાઈ ભરવાડ, વગેરે હાજર રહ્યાં હતાં. જેમાં બટાલિયન 6 એનડીઆરએફ વડોદરાની ટીમ દ્વારા ઉપસ્થિતોને વિવિધ આપત્તિઓ વિષયક માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાગર મલ્કુલેરીએ સીપીઆર બાબતે પ્રેક્ટીકલ માહિતી પ્રદાન કરી હતી જ્યારે આયુષીબેન શુક્લાએ આપત્તિ સમયે પ્રાથમિક મેડિકલ ટ્રીટમેન્ટ બાબતે સવિસ્તર સમજ આપી હતી. આસાથે સદર કાર્યક્રમમાં ભૂકંપ, રેલ, વાવાઝોડું, આગ વગેરે જેવી આપત્તિ સમયે કયા પગલાં લેવા તે બાબતે ઝીણવટભરી સમજ આપવામાં આવી હતી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.