ઘરેબેઠાં મળશે મફત e-KYC અને ડિજિટલ જીવન પ્રમાણપત્ર સેવા

પોસ્ટ વિભાગ અને ગુજરાત સરકારની સંયુક્ત પહેલ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૩૧ મે. ગુજરાત સરકાર અને ભારતીય ડાક વિભાગ વચ્ચે થયેલ મહત્વપૂર્ણ સહમતિ મુજબ હવે ગુજરાતના તમામ NFSA રેશનકાર્ડ ધારકો માટે e-KYC અને પેન્શનરો માટે ડિજિટલ જીવન પ્રમાણપત્ર (Digital Life Certificate – DLC) જનરેટ કરવાની સેવા મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
આ સેવા પોસ્ટ વિભાગની દરેક ગ્રામ્ય અને શહેરી પોસ્ટ ઓફિસોમાં સરળતાથી ઉપલબ્ધ છે. ખાસ કરીને વૃદ્ધ પેન્શનરો, દિવ્યાંગો અને દુર્ગમ વિસ્તારમાં રહેતા લાભાર્થીઓ માટે આ સેવા અનમોલ સાબિત થશે. પેન્શનરોને હવે જીવન પ્રમાણપત્ર માટે બેંકમાં જવાની જરૂર નહીં રહે, તેઓ પોતાનાં નજીકની પોસ્ટ ઓફિસ, પોસ્ટમેન અથવા ગ્રામીણ ડાક સેવકના સહયોગથી આ સેવા મેળવી શકશે.
બારડોલી પોસ્ટ વિભાગની ૩૯૩ ગ્રામ્ય પોસ્ટ ઓફિસો ઉપરાંત શહેરી અને તાલુકા કક્ષાની પોસ્ટ ઓફિસોમાં પણ આ સેવા મફતમાં પૂરી પાડવામાં આવી રહી છે. NFSA રેશનકાર્ડ ધારકો માટે પણ આ કામગીરી ડોર-ટુ-ડોર તેમજ કેમ્પ દ્વારા હાથ ધરાશે. ખાસ કરીને રવિવાર તથા રજાના દિવસોમાં પણ આ કામગીરી ચાલુ રહેશે જેથી લાભાર્થીઓ સરળતાથી આ સેવાઓનો લાભ મેળવી શકે.
ડાકઘર અધિક્ષક, બારડોલી વિભાગ તરફથી તમામ પેન્શનરો અને NFSA રેશનકાર્ડ ધારકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ આ નવી પહેલનો લાભ લે અને પોતાના વિસ્તારનાં અન્ય લાભાર્થીઓ સુધી પણ આ માહિતી પહોંચાડે.
000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.