ડોલવણ તાલુકાના ગડત આરોગ્ય કેન્દ્ર ખાતે માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી

ઉજવણીમાં કિશોરીઓ માટે મેન્સ્ટ્રુઅલ હાઇજીન કોર્નર બનાવી ડિસ્પ્લે કરી માસિક સ્ત્રાવ વિશે માર્ગદર્શન અપાયું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા: ૨૮ મે, સમાજમાં માસિક સ્ત્રાવને લઈને જુદી-જુદી ગેરમાન્યતાઓ છે. આ ગંભીર વિષય બાબતે જાગૃતિ કેળવવા માટે સમગ્ર વિશ્વમાં તા. ૨૮ મે ના રોજ વિશ્વ મેન્સ્ટ્રુઅલ હાઇજીન ડે એટલે કે માસિક સ્ત્રાવ સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજે તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ગડત આરોગ્ય કેન્દ્ર ખાતે ડૉ. રિતિકા ઐમાની ઉપસ્થિતિમાં માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉજવણીમાં ડૉ. રિતિકા ઐમાએ વિષયને અનુરૂપ પ્રાસંગિક ઉદબોધન કરી ઉપસ્થિત કિશોરીઓ સાથે વિસ્તૃતમાં વાર્તાલાપ કર્યો હતો. આ ઉપરાંત, ગેમ રોલ પ્લે નાટક દ્વારા આરોગ્ય વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ મેન્સ્ટ્રુઅલ હાઇજીન કોર્નર બનાવી કિશોરીઓને ડિસ્પ્લે કરીને માસિક સ્ત્રાવ વિશે કાઉન્સિલિંગ સેવાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે, વિશ્વ માસિક સ્ત્રાવ સ્વચ્છતા દિવસ ૨૦૨૫ની થીમ – “Together for a #PeriodFriendlyWorld ” રાખવામાં આવી છે. જે માસિક સ્રાવ દરમિયાન સ્વાસ્થ્યની કાળજી, કિશોરી- મહિલાઓનું ગૌરવ, સમાનતા અને જાહેર આરોગ્ય સાથે જોડાયેલા મૂળભૂત અધિકાર પર ભાર મુકી તે સુનિશ્ચિત કરવા માટે સામૂહિક પગલાં લેવા માર્ગદર્શિત કરે છે.
આ અવસરે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભાર્ગવ દવે, આરોગ્ય વિભાગના ડો. કે. ટી. ચૌધરી, ડો. હીનલ, ડો. તેજસ સહિતના આરોગ્ય તંત્રના અધિકારી – કર્મચારીઓની સાથે સાથે બહોળી સંખ્યામાં કિશોરીઓ પણ ઉપસ્થિત રહી હતી. જો કે, ગડત આરોગ્ય કેન્દ્ર ઉપરાંત સમગ્ર તાપી જિલ્લાના વિવિધ આરોગ્ય કેન્દ્રો ઉપર પણ માસિક સ્ત્રાવ સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
૦૦૦૦૦
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.