કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા તાપી ખાતે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત કૃષિ સખી તથા કોમ્યુનિટી રિસોર્સ પર્સનની તાલીમ યોજાઇ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, ન્યુ દિલ્હી દ્વારા પુરૂસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી, દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તાપી જિલ્લામાં વ્યારા ખાતે કાર્યરત છે. રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે ભારત સરકારશ્રીએ નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અમલી કરેલ છે. જે અંતર્ગત આ કેન્દ્ર ખાતે મિશન અન્વયે વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવે છે. સદર મિશનના ભાગરૂપે નવસારી કૃષિ યુનિવર્સિટીના મા. કુલપતિશ્રી ડૉ. ઝેડ. પી. પટેલની પ્રેરણા અને નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારીના માન. વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ. એચ. આર. શર્માના માર્ગદર્શન હેઠળ કેવિકે ખાતે કૃષિ સખી તથા કોમ્યુનિટી રિસોર્સ પર્સન માટે તા. ૧૨/૦૫/૨૦૨૫ થી ૧૬/૦૫/૨૦૨૫ દરમ્યાન પાંચ દિવસીય પ્રાકૃતિક ખેતી વિષય ઉપર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. સદરહુ તાલીમમાં કેવિકેના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, કેવિકેના વૈજ્ઞાનિકશ્રીઓ, પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા-તાપી અને સ્ટાફ, પ્રગતિશીલ ખેડૂતો, NGOના પ્રતિનિધિઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં કેન્દ્રના વડા ડૉ. સી. ડી. પંડ્યા એ ઉપસ્થિત મહેમાનો અને ખેડૂતોને આવકારી નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ યોજનાની ઝાંખી, ભૂમિકાઓ અને જવાબદારીઓ વિશે જાણકારી આપી જરૂરી સૂચનો કર્યા હતા. વધુમાં તેમણે કૃષિ સખી અને કોમ્યુનિટી રિસોર્સ પર્સન (CRPs)ને તેઓની જવાબદારીઓ વિષે અવગત કર્યા હતા. શ્રી એ. કે. પટેલ, પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા તાપીએ હાલમાં જિલ્લામાં પ્રવર્તમાન પ્રાકૃતિક ખેતી વિષે માહિતી આપી હતી અને આત્મા-તાપી દ્વારા પ્રાકૃતિક ખેતીની યોજનાકીય માહિતી પૂરી પાડી હતી.
પ્રો. કે. એન. રણા, વૈજ્ઞાનિક (પાક ઉત્પાદન) અને નોડલ ઓફિસર (NMNF)એ પાંચ દિવસ દરમિયાન ક્લસ્ટર વિશેની સમજૂતી આપી પ્રાકૃતિક કૃષિ વિશેનો પરિચય આપ્યો હતો. વધુમાં તેમણે જમીન આરોગ્ય વ્યવસ્થાપન, પાક ઉત્પાદન પ્રણાલી અને પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના બજાર વ્યવસ્થાપન વગેરે જેવા વિષયો ઉપર વિસ્તારપૂર્વક છણાવટ કરી હતી. ડૉ. ધર્મિષ્ઠા એમ. પટેલ, વૈજ્ઞાનિક (બાગાયત) દ્વારા બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી વિશેની વિસ્તૃત ઝાંખી આપી હતી. વધુમાં તેઓએ વિવિધ પાક પધ્ધતિઓ, બીજ અને વાવેતરની પધ્ધતિઓ અને જૈવિક કલ્ચરની બનાવટ વિશે સમજ આપી હતી. ડૉ. એચ. આર. જાદવ, વૈજ્ઞાનિક (પાક સંરક્ષણ) એ જુદા જુદા પાકોમાં પ્રાકૃતિક ખેતી પધ્ધતિ થકી રોગજીવાત નિયંત્રણ વિશે અવગત કર્યા હતા. ડૉ. જે. બી. બુટાણી, વૈજ્ઞાનિક (પશુવિજ્ઞાન) એ પ્રાકૃતિક ખેતીમાં પશુધન પ્રણાલીનું એકીકરણ વિષય ઉપર ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શ્રીમતી સુંદરબેન ગામીત, ફાર્મર માસ્ટર ટ્રેનરએ પ્રાકૃતિક ખેતીમાં પોતાના અનુભવો અને સફળતા વિશે તાલીમાર્થીઓ સાથે ચર્ચા કરી હતી.
સદરહું તાલીમ દરમિયાન તાલીમાર્થીઓને કેવિકે ખાતેના પ્રાકૃતિક ખેતીના મોડેલ ફાર્મની મુલાકાત તથા કેવિકેના વિવિધ નિદર્શન એકમોની મુલાકાત કરાવવામાં આવી હતી. તાલીમાર્થીઓને બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, દશપર્ણી અર્ક, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિસ્ત્ર વગેરે જેવા જૈવિક કલ્ચરોની બનાવટોને પધ્ધતિ નિદર્શન દ્વારા શિખવાડવામાં આવી હતી. કાર્યક્રમના અંતમાં ખેડૂતો દ્વારા તાલીમ અંગે પ્રતિભાવો આપી પ્રાકૃતિક ખેતીમાં વધુમાં વધુ ખેડૂતોને સાંકળી લેવા પ્રતિજ્ઞા લીધી હતી.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને આભારવિધિ પ્રો. કે. એન. રણા, વૈજ્ઞાનિક (પાક ઉત્પાદન) દ્વારા કરવામાં આવી હતી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.