રાષ્ટ્રહિત સર્વોપરી : પાકિસ્તાન સાથેનાં સંભવિત યુધ્ધની સ્થિતિમાં સક્રિય ભાગીદારી માટે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખી પ્રતિબધ્ધતા દર્શાવી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : આજરોજ ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘે પાકિસ્તાન સાથેનાં સંભવિત યુધ્ધની સ્થિતિમાં રાજ્યનાં પ્રાથમિક શિક્ષકોની સક્રિય ભાગીદારીનાં સંકલ્પ સાથેનો એક પત્ર નવી દિલ્હી ખાતે દેશનાં વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીને પાઠવેલ છે. ઓલ ઈન્ડિયા પ્રાયમરી ટીચર્સ ફેડરેશનનાં કાઉન્સિલર, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં સિનિયર ઉપપ્રમુખ એવાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ સાથેની ટેલિફોનિક વાતચીત અનુસાર સદર પત્રમાં જણાવાયું છે કે રાજયનાં પ્રાથમિક શિક્ષક સંગઠનમાં અંદાજિત બે લાખ જેટલાં શિક્ષક ભાઈ-બહેનો કાર્યરત છે. આ શિક્ષકો રાજયનાં ચાલીસ લાખ જેટલાં વિદ્યાર્થીઓ અને તેમનાં પરિવાર સાથે સીધા જોડાયેલા છે.
આપણા પાડોશી દેશમાં તાજેતરમાં થયેલા બળવા અને આતંકવાદી હુમલાઓ કે જેમાં આપણા નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા હતાં, આ સમગ્ર બાબતે રાષ્ટ્રને દુઃખ પહોંચાડયું છે. આ આતંકવાદી હુમલા પાછળ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી મશીનરીની ભૂમિકા સ્પષ્ટ છે. એવાં સમયે જ્યારે દેશ તેની સાર્વભૌમત્વ અને સુરક્ષાનાં રક્ષણ માટે નિર્ણાયક પગલાં લઈ રહ્યો છે, ત્યારે અમે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ વતી ભારત સરકારની રાજદ્વારી અને વ્યૂહાત્મક પહેલને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ. આજરોજ ૭/૫/૨૦૨૫ નાં રોજ દેશભરમાં મોકડ્રીલ યોજાઈ રહી છે જે દર્શાવે છે કે દેશ દરેક નાગરિક પાસેથી સક્રિય ભાગીદારી અને પ્રતિબધ્ધતા ઈચ્છે છે. આથી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ એ સ્પષ્ટ કરવા માંગે છે કે જેમ શિક્ષકો કોવિડ રોગચાળા દરમિયાન ગુજરાતની શેરીઓથી લઈને ક્વોરેન્ટાઈન સેન્ટરો અને સર્વેક્ષણ કાર્ય સુધી કોરોના યોધ્ધાઓ તરીકે સેવા આપી રહ્યાં હતાં, તેવી જ સમર્પણ અને શિસ્ત સાથે અમે કોઈપણ સંભવિત આગામી રાષ્ટ્રીય સુરક્ષા અભિયાનમાં યોગદાન આપવા તૈયાર છીએ.
અમે તમને આદરપૂર્વક વિનંતી કરીએ છીએ કે શિક્ષક સમુદાય માહિતી પ્રસાર, આપત્તિ વ્યવસ્થાપન તાલીમ, નાગરિક સહાય કેન્દ્રો કે અન્ય કોઈપણ વ્યૂહાત્મક સંકલનમાં કેવી રીતે ભૂમિકા ભજવી શકે તે અંગે મુખ્યમંત્રી કાર્યાલય, પ્રધાનમંત્રી કાર્યાલય, સંરક્ષણ મંત્રાલય અથવા ગૃહ મંત્રાલય કેટલીક માર્ગદર્શિકા જાહેર કરે જેથી શિક્ષક સમુદાય પોતાની ભૂમિકા અદા કરી શકે. ચાહે આ સૂચના પ્રસારણ હોય, આપદા પ્રબંધન, પ્રશિક્ષણ હોય, નાગરિક સહાયતા કેન્દ્ર હોય કે અન્ય કોઈ રણનીતિ સંબંધી. અમોને એ વાતની જાણકારી અવશ્ય હોવી જોઈએ જેનાથી અમો માનસિક, શારીરિક અને સંગઠનાત્મક રીતે પોતાને તૈયાર કરી શકીએ. આ અમારી ફરજ, ગૌરવ અને દેશભક્તિની જવાબદારી હશે. રાષ્ટ્રહિતને સર્વોપરી સમજી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા તથા મહામંત્રી જૈમિનભાઈ પટેલની સંયુક્ત સહીથી પાઠવેલ આ પત્રને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સાદર આવકારવામાં આવેલ છે.
રિપોર્ટ: વિજય પટેલ (ઓલપાડ)
પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ, સુરત જિ.પ્રા.શિ.સંઘ
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.