જૂની પેન્શન યોજના સંદર્ભે ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ માટે આભાર દર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તાજેતરમાં સરકારશ્રીનાં પરિપત્ર મુજબ તા.૧/૪/૨૦૦૫ પહેલાં ફરજમાં જોડાયેલ શિક્ષકોનો જૂની પેન્શન યોજનામાં સમાવેશ થતાં રાજ્યભરનાં શિક્ષક આલમમાં આનંદની લહેર વ્યાપી જવા પામી હતી. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની અવિરત લડતનાં પરિણામ સ્વરૂપ મળેલ આ સફળતાને રાજ્યનાં દરેક જિલ્લા અને તાલુકા ઘટક સંઘે વધાવી લીધી હતી. જે સંદર્ભે ઠેરઠેર વિશેષ કાર્યક્રમ યોજી શિક્ષકો દ્વારા સરકારશ્રી તથા રાજ્ય શિક્ષક સંઘનો આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે ત્યારે ઓલપાડ તાલુકાનાં ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, સીથાણ દ્રારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં હોદેદારોને સન્માનવા સહિત તેમનાં આભાર દર્શનનાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન વિહારા પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું.

સદર કાર્યક્રમમાં ઓલ ઈન્ડિયા પ્રાયમરી ટીચર્સ ફેડરેશનનાં કાઉન્સિલર, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં સિનિયર ઉપપ્રમુખ એવાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ, મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર તથા અન્ય હોદેદારો, ઈન્ચાર્જ પ્રાથમિક શિક્ષણાધિકારી નગીનભાઈ પટેલ, બીટ નિરીક્ષક વિજયભાઈ જરગલિયા તથા બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. પ્રારંભે વિહારા પ્રાથમિક શાળાનાં આચાર્ય પ્રદીપસિંહ સોલંકીએ સૌને શાબ્દિક આવકાર આપ્યો હતો. ત્યારબાદ સીથાણ સંલગ્ન પ્રાથમિક શાળાઓનાં ૧૧ જેટલાં લાભાર્થી શિક્ષક ભાઈ-બહેનો દ્રારા સંઘનાં તમામ હોદ્દેદારોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે પ્રમુખ કિરીટભાઈ પટેલે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની લાંબી લડત તથા સરકારશ્રીનાં હકારાત્મક અભિગમની સરાહના કરી હતી.

કાર્યક્રમનાં દ્વિતીય ચરણમાં જિલ્લાફેર બદલીથી સ્થાનિક ક્લસ્ટરની શાળાઓમાં આવેલ શિક્ષક ભાઈ-બહેનો, સ્વૈચ્છિક બદલી પામી શહેરી શાળામાં જતાં સીથાણનાં કેન્દ્રાચાર્ય કરિશ્માબેન પટેલ તથા ખલીપોર પ્રાથમિક શાળામાં ફરજ બજાવીને વય નિવૃત્ત થતાં શિક્ષક જગુભાઈ પટેલનું ઉપસ્થિત મહાનુભવોનાં સંયુક્ત હસ્તે શાલ ઓઢાડી પુષ્પગુચ્છ તેમજ સ્મૃતિભેટ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સીથાણનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર રાકેશ મહેતાએ કર્યુ હતું. જ્યારે આભારવિધિ ખલીપોર પ્રાથમિક શાળાનાં આચાર્ય વિવેક બુટવાલાએ આટોપી હતી. અંતમાં લાભાર્થી શિક્ષક ભાઈ-બહેનો દ્વારા આયોજીત પ્રિતિભોજનમાં બાળકો, શિક્ષકગણ સહિત સૌ મહાનુભવો સહભાગી થયા હતાં એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *