સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જૂની પેન્શન યોજના સંદર્ભે લાભાર્થી શિક્ષકોનાં જીપીએફ ખાતા બાબતે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : આજરોજ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તા.૧/૪/૨૦૦૫ પહેલાં ફરજમાં જોડાયેલ શિક્ષકોને જૂની પેન્શન યોજનામાં સમાવેશ થતાં તેમનાં જીપીએફ ખાતા ખોલવાની એક વિશેષ માર્ગદર્શન કાર્યશાળાનું આયોજન પલસાણા તાલુકાનાં ગંગાધરા સ્થિત હરિસ્મૃતિ ભવન ખાતે કરવામાં આવ્યું હતું. આ સાથે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની લાંબી લડતનાં પરિણામ સ્વરૂપ તથા સરકારશ્રીનાં હકારાત્મક અભિગમ થકી મળેલ સંતોષકારક ઉકેલને આવકારવાનાં ભાગરૂપે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ સહિત ગુજરાત રાજય કર્મચારી મહામંડળનાં પ્રમુખ-મહામંત્રીઓ પ્રતિ આભાર વ્યક્ત કરવા સાથે તેમને સન્માનિત કરવાનું આગવું આયોજન કરવામાં આવ્યું હતું.
સદર દ્વિવિધ કાર્યક્રમની શરૂઆત મૌન, સર્વધર્મ પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. પ્રારંભે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં સિનિયર ઉપપ્રમુખ અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષકનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે સૌને શાબ્દિક આવકાર આપી કાર્યશાળાની રૂપરેખા રજૂ કરી હતી. કાર્યશાળામાં સમગ્ર જિલ્લાનાં ૯૦૦ જેટલાં લાભાન્વિત શિક્ષક ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે ઉપસ્થિત ઈન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. અરૂણકુમાર અગ્રવાલ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા તથા મહામંત્રી જૈમિનભાઈ પટેલે સૌને માર્ગદર્શિત કર્યા હતાં. આ તકે પોતાનાં પ્રાસંગિક પ્રવચનમાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ સૌપ્રથમ જૂની પેન્શન યોજનાનાં મુદ્દે સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે પાત્રતા ધરાવતાં તમામ શિક્ષક ભાઈ-બહેનોને અભિનંદન પાઠવી રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની કાર્યશૈલી, એકાત્મકતા, સંઘભાવના તથા સંઘશક્તિ જેવાં આદર્શો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે શિક્ષકોને ગેરમાર્ગે દોરનાર હિતશત્રુઓને ઉઘાડા પાડવા અનુરોધ કર્યો હતો.
લાભાર્થી શિક્ષકોને સીપીએફ ખાતામાંથી જીપીએફ ખાતા ખોલવા બાબતે વિસ્તૃત માહિતી પ્રદાન કર્યા બાદ રાજ્ય સંઘનાં બંને મહાનુભવો દિગ્વિજયસિંહ જાડેજા તથા જૈમિનભાઈ પટેલનું સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પ્રમુખ કિરીટભાઈ પટેલ, મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી, સિનિયર કાર્યવાહક પ્રમુખ બળવંતભાઈ પટેલ તથા અન્ય હોદ્દેદારોનાં સંયુક્ત હસ્તે શાલ ઓઢાડી પુષ્પગુચ્છ તેમજ સ્મૃતિભેટ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ ક્ષણને તમામ તાલુકા ઘટક સંઘનાં પ્રમુખ-મહામંત્રીઓ, બી.આર.સી. કો-ઓર્ડિનેટર્સ તથા લાભાર્થી શિક્ષક ભાઈ-બહેનોએ તાળીઓનાં ગડગડાટથી વધાવી લીધી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે પલસાણા તથા બારડોલી તાલુકા પ્રાથમિક શિક્ષકનાં હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.