પાલેજ મુકામે હિઝ હોલીનેસ ખ્વાજા ફરીદુદ્દીન મોટામિયાં ચિશ્તી સાહેબનો ઉર્સ કોરોના મહામારીને લઈ મોકૂફ રાખવામાં આવ્યો
(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ) : સાદગીભર્યા માહોલમાં હાલના ગાદીપતિ ખ્વાજા સલીમુદ્દીન ચિશ્તી દ્વારા દેશ મહામારી માંથી મુક્તિ મેળવે તે માટે પવિત્ર દિવસે ખાસ અભ્યર્થના.
મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદી પર વર્ષ 1957 થી 2001 સુધીના દીર્ઘકાલ દરમિયાન એકમાત્ર અધિકૃત પરંપરાગત સજ્જાદાનશીન- ગાદીપતિ તરીકે સેવા આપનાર મહાન સંત હિઝ હોલીનેસ ખ્વાજા ફરીદુદ્દીન મોટામિયાં ચિશ્તી (રહ.) નો વાર્ષિક ઉર્સ દર વર્ષે પાલેજ મુકામે 27 મી રમઝાનના પવિત્ર દિવસે ઉજવવામાં આવે છે,અને ઇફતારીનું આયોજન કરી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવે છે, પરંતુ આ વર્ષે કોરોના વાયરસની મહામારીના કારણે જનહિતમાં તમામ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યા હતા.
હિઝ હોલીનેસ ખ્વાજા મોટામિયાં ચિશ્તી ત્રીજા (રહ.) પછી, હિઝ હોલાનેસ ખ્વાજા નિઝામુદ્દીન મોટામિયાં ચિશ્તી ગાદી પર આવ્યા, ત્યારબાદ વંશ પરંપરાગત વિશેષ પરંપરા, અલૌકિક આજ્ઞા અને અસામાન્ય રુહાનિ ઇલ્હામ મુજબ વર્ષ 1957માં હિઝ હોલીનેસ ખ્વાજા ફરીદુદ્દીન મોટામિયાં ચિશ્તી (રહ.) સૌની વિશેષ હાજરીમાં વિધિવત્ રીતે પરંપરાગત ગાદીપતિ બન્યા.
આપે સાદગીભર્યંુ સમગ્ર જીવન નિરાધરોની સેવામાં પસાર કરી, ગાદીના માનવીય સિદ્ધાંતો, માનવતા અને એકતાનો સંદેશ દેશ સહિત વિદેશમાં પહોંચાડ્યો, આપે ખૂબ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું હોય વિવિધ ભાષા ઉપર અનોખું પ્રભુત્વ ધરાવતા હતા.
આપના પુત્ર – જાનશીન અને મોટામિયાં માંગરોલની ગાદીના વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી દ્વારા દેશ ઝડપથી આ મહામારી માંથી મુક્તિ મેળવે તે માટે આ પવિત્ર દિવસે ખાસ દુઆ કરવામાં આવી હતી, સાથે સાથે દરેક લોકો બિનજરૂરી બહાર નહીં નીકળી લોકડાઉનના નિયમનું પાલન કરવા ઉપરાંત સોશિયલ ડિસ્ટંસિંગ જાળવવા વિશેષ અનુરોધ કરવામાં આવેલ હતો.