બીઆરસી ભવન ઓલપાડ ખાતે મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન અમદાવાદ દ્વારા સમગ્ર શિક્ષા સોશિયલ ઓડિટ અન્વયે લોક સુનાવણી યોજવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સોશિયલ ઓડીટ એ કોઈપણ યોજના કે કાર્યક્રમનું મૂલ્યાંકન કરવાની પ્રક્રિયા છે જેમાં લોકો સામૂહિક રીતે કાર્યક્રમ કે યોજનાનાં આયોજન અને અમલીકરણની દેખરેખ અને મૂલ્યાંકન કરે છે. જેનાં અનુસંધાને વર્ષ 2023-24 માં ગુજરાત રાજ્યનાં 254 તાલુકાઓ પૈકી સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાની 22 તથા માંગરોલ તાલુકાની 25 શાળાઓમાં સોશિયલ ઓડીટની કામગીરી કરવામાં આવી હતી. જેની નિયમોનુસાર લોક સુનાવણી યોજવાનાં ભાગરૂપે આજરોજ બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ ખાતે ઓલપાડ તથા માંગરોલ તાલુકાનાં મુખ્યશિક્ષકોની મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમગ્ર શિક્ષા સોશિયલ ઓડીટની ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર અને ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન કાઉન્સિલ દ્વારા ગુજરાત રાજ્યની સદર સોશિયલ ઓડીટની કામગીરી મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન, અમદાવાદને સોપવામાં આવેલી છે. જે અંતર્ગત સંસ્થાનાં ફિલ્ડ એક્ષ્પર્ટ અમૃતભાઈ કાંગીયા તથા આસિસ્ટન્ટ ફિલ્ડ એક્ષ્પર્ટ મહાદેવભાઈ રંગપરીયાનાં માર્ગદર્શન હેઠળ અત્રે યોજાયેલ મિટીંગમાં શાળાઓની વહીવટી, શૈક્ષણિક અને ભૌતિક સુવિધાઓ, જાતિગત ભેદભાવ, પોષણયુક્ત આહાર, આરોગ્ય અને સલામતી, પરિવહન ઉપરાંત લોકભાગીદારી જેવી મૂળભૂત બાબતોની સવિસ્તર ચર્ચા હાથ ધરવામાં આવી હતી.
આ પ્રસંગે ઈન્ચાર્જ પ્રાથમિક શિક્ષણાધિકારી નગીનભાઈ પટેલ, બીટ નિરીક્ષક વિજયભાઈ જરગલિયા, ઓલપાડનાં બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ તથા માંગરોલનાં બી.આર.સી. કો-ઓર્ડિનેટર હીરાભાઈ ભરવાડ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. સમગ્ર મિટીંગનું સુચારુ સંચાલન સાયણ, સાંધિયેર તથા માસમાનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર અનુક્રમે મિતેશ પટેલ, તેજસ નવસારીવાલા તથા આશા ગોપાણીએ કર્યુ હતું. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
