પંચમ કલા સંસ્થાન કામરેજ દ્વારા શામ એ ગઝલ તથા પંચમ કલા રત્ન એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : કામરેજ સ્થિત દલપત રામા ભવન ખાતે સંગીત સંધ્યાની સાથે કલા રત્ન એવોર્ડ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર સુરત જિલ્લામાં સંગીત અને સાહિત્યનાં પ્રચાર પ્રસાર અને ઉત્કર્ષ અર્થે કાર્ય કરતી કલા સંસ્થા એટલે પંચમ કલા સંસ્થાન કામરેજ. આ સંસ્થાનાં નેજા હેઠળ જિલ્લાનાં જાણીતા કલાગુરુ અને અસ્તાન કન્યા વિદ્યાલય બારડોલીનાં નિવૃત્ત શિક્ષક યશોદાબેન સોની, ખૂબ જાણીતા કલાકાર એવાં પિંકલ પટેલ તથા કામરેજનાં સંગીતજ્ઞ મુકેશભાઈ સાખીયાને ‘પંચમ કલા રત્ન’ પારિતોષિક એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતાં. જ્યારે કલા મહાકુંભમાં સુગમ સંગીતમાં રાજ્ય કક્ષાએ પ્રથમ આવીને સુરતનું નામ રોશન કરનાર કુમારી હીર પારેખને સ્પેશિયલ આશીર્વાદ ટ્રોફીથી સન્માનિત કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
સદર એવોર્ડ પ્રદાન સમારોહમાં સુરત મહાનગરનાં ડેપ્યુટી પોલીસ કમિશનર હેતલ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી ડો. ભગીરથસિંહ પરમાર, સાહિત્ય રસિક અને પૂર્વ ધારાસભ્ય જનકભાઈ બગદાણા, જિલ્લા રોજગાર અધિકારી પારુલબેન પટેલ, શિક્ષણ નિરીક્ષક ડો. સંગીતાબેન મિસ્ત્રી, ભારતીય વિદ્યામંડળનાં માનદ મંત્રી પરેશભાઈ ભક્ત, સાહિત્ય રસિક કમલેશભાઈ પટેલ, અજીતસિંહ સૂરમાં (બારડોલી), પ્રતાપસિંહ ઝાલા, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર પકેશભાઈ ચૌધરી, પરમાર સાહેબ, કિરીટસિંહ મહિડા તેમજ આ વિસ્તારનાં સંગીત કલાનાં ચાહકો અને ભાવકો ઉપસ્થિત રહ્યાં હતાં. કિરીટસિંહ તરફથી સ્વરુચિ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી જ્યારે સન્માનિતોનાં પુરસ્કાર શ્રી એન.આર. પરમાર તરફથી પ્રાપ્ત થયા હતાં. આ સમગ્ર કાર્યક્રમનું સાહિત્ય સભર સંચાલન પંચમનાં કો-ઓર્ડિનેટર યાસીન મુલતાની દ્વારા કરવામાં આવ્યું હતું.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.