ઓલપાડ નગરનાં ઝાંપાફળિયા સ્થિત ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ મંદિરની સાલગીરી ઉજવવામાં આવી

Contact News Publisher

(વિજય પટેલ દ્વારા, ઓલપાડ) : સૃષ્ટિનાં પાલનહાર એવાં ભગવાન વિષ્ણુ પૃથ્વીલોકમાં અનેક નામે ભક્તોનાં હૃદયકમળમાં બિરાજમાન છે. જે પૈકી ભગવાન વિષ્ણુ લોકવાયકા મુજબ લક્ષ્મીનારાયણ નામે પણ પ્રચલિત છે. ‘ઉરપદ’ એવું પ્રાચીન નામ ધરાવતાં ઓલપાડ નગરનાં નાનકડાં ઝાંપાફળિયામાં ભગવાન શ્રી લક્ષ્મનારાયણનું પૌરાણિક મંદિર આવેલું છે. મંદિરની સ્થાપના આજથી ૧૧૮ વર્ષ પહેલાં સંવત ૧૯૬૩ માં રામચંદ્ર કાશીરામની વિધવા બાઈ મણીગૌરીએ તેમની સુપુત્રીઓ આરવગૌરી અને નિર્મળગૌરીનાં નામે કરી મંદિર ધર્માદામાં અર્પણ કર્યું હતું. સ્થાપના સમયથી ફળિયાની તડકીછાંયડી, શુભાશુભ ઘટનાઓનાં સાક્ષી ભગવાન શ્રી લક્ષ્મનારાયણની પૂજા-અર્ચના ભક્તિભાવપૂર્વક ફળિયાનાં રહીશો આજપર્યંત કરતા રહ્યાં છે.
ગતરોજ સંવત ૨૦૮૧ ચૈત્ર સુદ બારસ ને બુધવારનાં રોજ સર્વે ભક્તજનોનાં સુખમય જીવન કાજે ભગવાનની કૃપાદ્રષ્ટિ સદા વરસતી રહે એવાં શુભ ભાવ સાથે શ્રી લક્ષ્મીનારાયણ મંદિરની સાલગીરી શાસ્ત્રોક્ત વિધિથી ભક્તિભાવભર્યા વાતાવરણમાં યોજવામાં આવી હતી. પ્રભુજીની સાલગીરીની ઉજવણીનાં ભાગરૂપે ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આરંભથી અંત સુધી નિ:સ્વાર્થ ભાવે જહેમત ઉઠાવી સૌ ઝાંપાફળિયાનાં રહેવાસીઓએ સાલગીરીને સાદગીપૂર્ણ રીતે સંપન્ન કરી હતી. આ તકે સૌએ સમગ્ર જીવસૃષ્ટિને સુખ, શાંતિ અને સમૃદ્ધિ સાંપડે એવી ભગવાન શ્રી લક્ષ્મીનારાયણને પ્રાર્થના કરી હતી.

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other