ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની સંકલન સભા તીર્થભૂમિ સોમનાથ ખાતે યોજાઈ

બેઠક પૂર્વે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સોમનાથ મહાદેવને વિધિવત ધજા ચઢાવવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની સંકલન સભા રવિવારનાં રોજ ઉમા અતિથિગૃહ, કડવા પટેલ સમાજવાડી, સોમનાથ ખાતે યોજવામાં આવી હતી. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાયેલ આ સભામાં રાજ્યનાં તમામ જિલ્લા સંઘોનાં પ્રમુખ, મહામંત્રી, રાજ્ય સંઘનાં હોદ્દેદારો ઉપરાંત રાજ્ય પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
સભાનાં પ્રથમ શેષનમાં પ્રાર્થના, સ્વાગતગીત બાદ તાજેતરમાં અવસાન પામેલ શિક્ષકોને બે મિનિટનું મૌન પાળી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ હમીરભાઇ ખસીયાએ શાબ્દિક સ્વાગત કરી સૌને આવકાર્યા હતાં. ત્યારબાદ સભાનો દોર ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી જૈમિનભાઈ પટેલે સંભાળ્યો હતો અને એજન્ડા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સદર સભામાં ઉપસ્થિત સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે વિગતવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે આ કારોબારી સભાનાં દ્વિતીય શેષનમાં પ્રાથમિક શિક્ષકોને સ્પર્શતાં વિવિધ પ્રશ્નો જેવાં કે સને ૨૦૦૫ પહેલાનાં શિક્ષકોનાં OPS નાં વિગતવાર પત્ર બાબત, સને ૨૦૦૫ પછીનાં શિક્ષકોને OPS લાગુ કરાવવા બાબત, સને ૨૦૨૩-૨૪ માં બદલી પામેલ શિક્ષકોને ૧૦૦ ટકા છૂટા કરવા બાબત, વિદ્યાસહાયક ભરતી થયા બાદ તમામ ખાલી જગ્યા ભરવા માટે વૈકલ્પિક વ્યવસ્થા બાબત, બદલીનાં નિયમોમાં સુધારા સૂચવવા બાબત જેવાં એજન્ડાની ચર્ચા હાથ ધરવામાં આવી હતી.
આ તકે વિવિધ હેતુસર નામના પામેલ શિક્ષક ભાઈ-બહેનો સહિત સંગઠન પ્રહરીઓનું શાલ ઓઢાડી સ્મૃતિભેટ અર્પણ કરી ઉપસ્થિત મહાનુભવોએ સન્માન કર્યુ હતું. અંતમાં આભારવિધિ ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક સંઘનાં મહામંત્રી મનુભાઇ વાળાએ આટોપી હતી. સભાને સફળ બનાવવા વેરાવળ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ, મંત્રી સહિત સૌ હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.