વ્યારા તાલુકાનો કિસ્સો : મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ ન કરવા માટે પરિવાર દ્વારા ઠપકો આપતા ઘર છોડીને ભાગી આવેલ ૧૬ વર્ષની યુવતીના પરિવારને શોધી તેના માતા-પિતા સાથે મિલન કરાવતી બારડોલી ૧૮૧ અભયમ ટીમ

વ્યારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના એક પરીવાર માટે મોબાઈલ ફોન આશીર્વાદ રૂપ નહીં પરંતુ અભિશાપ રૂપ સાબિત થયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગઈ તારીખ ૨૮- ૦૩ -૨૦૨૫ ના રોજ બારડોલી તાલુકાના ઉવા ગામમાંથી રાત્રીના સમયે એક જાગૃત નાગરિક એ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવેલ કે એક અજાણી યુવતી જેમની ઉંમર આશરે ૧૬ વર્ષ હશે તેઓ તેમના ખેતરમાં એકલા બેઠા છે યુવતીની સાથે વાતચીત કરવા પુછ્યું કે તારે ક્યાં જવું છે, ક્યાંથી આવ્યા, અહીં શું કરો છો પણ યુવતી કશું કહેતી નથી. તેમજ હાલ યુવતી ખુબ જ ગભરાઈ ગયેલ છે અને ચિંતામાં છે તેથી યુવતીનું કાઉન્સેલિંગ કરવા માટે ૧૮૧ ટીમની મદદની જરૂર છે.
જેના પગલે ૧૮૧ અભયમ્ ટીમના કાઉન્સેલર પટેલ ખૂશ્બૂ, મહિલા પોલીસ કોન્સ્ટેબલ ચૌધરી કંકુબેન તથા પાયલોટ શેખ અકરમભાઈ ઘટનાસ્થળે યુવતીની મદદ માટે પહોંચ્યા. ઘટનાસ્થળ પર હાજર હતા એ લોકોએ યુવતીને સુરક્ષીત જગ્યાએ બેસાડી રાખ્યા હોય અને જમવાનું પણ આવ્યુ હતું. ૧૮૧ ટીમ દ્વારા યુવતી સાથે વાત-ચીત કરવામાં આવી અને તેમની પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયાસ કરેલ પરંતુ કાઉન્સેલિંગની શરૂઆતમાં યુવતી ખુબ જ ગભરાયેલા હોય તેથી તેમના પરિવારની ખોટી-ખોટી માહિતી આપેલ અને તેઓ અનાથ છે તેવું જણાવેલ. યુવતી કોઈપણ પ્રકારની માહિતી આપતા ન હતા અને યુવતી પાસેથી સંતોષકારક જવાબ ન મળતા ઘટનાસ્થળની આજુબાજુ ના વિસ્તારમાં પણ તપાસ કરેલ પરંતુ યુવતીને કોઈ પણ વ્યક્તિઓ ઓળખતા ન હતા ત્યારબાદ ફરી ૧૮૧ ટીમ દ્રારા અસરકારક કાઉન્સેલિંગ કરી ઘણા પ્રયત્નો કર્યા પછી યુવતીએ જણાવેલ કે તેઓ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તેમના માતા-પિતા સાથે રહે છે. યુવતી ૧૦ ધોરણ પાસ થયા ન હતા તેથી હાલ કોઈ અભ્યાસ કરતા નથી અને યુવતી મોબાઈલ ફોન પર વધુ સમય વિતાવતા હતાં અને ઘરકામ કરવામાં પૂરતું ઘ્યાન આપતા ન હોય એ બાબતને લઈને યુવતીને તેમના માતા-પિતા અવાર-નવાર ઠપકો આપતા હતા અને યુવતીની માતાએ તેમની પાસેથી ફોન પણ લઈ લીધો હતો એ બાબતનું માઠું લાગી આવતા યુવતી તેમના માતા-પિતા ને જાણ કર્યા વગર ઘરેથી ૩ દિવસ પહેલા નીકળી આવ્યા હતા. યુવતીને કાઉન્સેલિંગ દરમ્યાન મોબાઈલ ફોનના વધું પડતા ઉપયોગથી થતા નુકશાન અંગે સમજાવી ત્યારબાદ યુવતી ફરી તેમના માતા પિતા પાસે ઘરે પરત જવા તૈયાર થયેલ તેથી યુવતી પાસેથી તેમના માતા-પિતાના ફોન નંબર મેળવેલ અને તેમની સાથે વાતચીત કરીને જાણ કરવામાં આવેલ કે તેમની દીકરી હાલ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઉવા ગામમાં છે તેમજ યુવતીના માતા-પિતાને બનેલ ઘટનાની તમામ હકીકત જણાવી ત્યારે તેઓએ જણાવેલ કે તેઓ હમણાં જ તેમની દીકરીને લેવા માટે આવે છે. તેમની દિકરી ૩ દિવસ પહેલા ઘરેથી કહ્યા વગર નીકળી ગયેલ તેઓએ ઘણા પ્રયત્નો કરેલ પરંતુ દીકરી મળેલ નહીં તેથી તેઓએ પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપેલ છે. બાજીપુરા ચેક પોસ્ટ ખાતે યુવતીના માતા-પિતા તેમજ પરિવારના સભ્યો યુવતીને લેવા માટે પહોંચી આવ્યા હતાં ત્યારબાદ ૧૮૧ ટીમ દ્વારા યુવતી અને તેમના માતા – પિતાના આધાર પુરાવા અને ફોટાઓ મેળવ્યા બાદ યુવતીના માતા-પિતાનું કાઉન્સેલિંગ કરી યોગ્ય સલાહ સૂચન, માર્ગદર્શન આપેલ અને યુવતીનું ધ્યાન રાખવાનું જણાવેલ ત્યારબાદ યુવતી તેમના માતા-પિતાને સોંપેલ ત્યારે યુવતીના માતા-પિતા ભાવુક થઈ જતા ૧૮૧ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
બારડોલી ૧૮૧ અભયમ મહિલા હેલપલાઇન ટીમની સુજબુજથી એક શ્રમિક પરીવારની દીકરીનું તેમનાં પરિવાર સાથે સુખદ મિલન કરાવેલ.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.