ઓલપાડની તળાદ હાઈસ્કૂલમાં વાર્ષિક ઈનામ વિતરણ સમારંભ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તળાદ વિભાગ માધ્યમિક શાળા, તળાદમાં ભવ્ય વાર્ષિક ઈનામ વિતરણ સમારંભ યોજવામાં આવ્યો હતો. અમિતભાઈ બી. પટેલનાં અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં આઝાદદિન સ્મારક કેળવણી મંડળનાં પ્રમુખ ધનસુખભાઈ પટેલ, મંત્રી જયંતિભાઈ પટેલ તથા અન્ય હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમની શરૂઆત શાળાની બાળાઓએ પ્રાર્થનાથી કરી હતી. ત્યારબાદ તળાદ વિભાગ કેળવણી મંડળનાં પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ તથા તેમની ટીમે આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું જ્યારે શાળાનાં માધ્યમિક વિભાગનાં આચાર્ય જયેશભાઈ પટેલે સૌને શાબ્દિક આવકાર આપ્યો હતો. સદર કાર્યક્રમમાં ધોરણ ૧ થી ૧૨ નાં વર્ગમાં અને બોર્ડ એક્ઝામમાં પ્રથમ આવેલ તથા વિશિષ્ટ પ્રવૃત્તિઓમાં સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને સ્મૃતિભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. સાથે જ ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષામાં ૧૦૦ ટકા પરિણામ લાવનાર વિષય શિક્ષકોનું પણ ઉપસ્થિત મહાનુભવોનાં હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં શાળાનાં વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલીજનોએ કાર્યક્રમને દીપાવ્યો હતો. સંસ્થા તરફથી ભોજનની ખૂબ સરસ વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉચ્ચતર માધ્યમિક વિભાગનાં શિક્ષિકા ચિલ્કાબેન પટેલે કર્યું હતું.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.