ઉમરપાડા તાલુકાની ટાવલ પ્રાથમિક શાળાનાં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઉમરપાડા તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ટાવલ પ્રાથમિક શાળાનાં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી શાળા વ્યવસ્થાપન સમિતિનાં સભ્યોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. ઉજવણીનાં ભાગરૂપે શાળામાં યોજાયેલ વિશેષ કાર્યક્રમને સ્થાનિક શાળામાં પ્રથમ પ્રવેશ પામીને ભણેલ વિદ્યાર્થી અને ગામનાં વરિષ્ઠ નાગરિક એવાં દેવજીભાઈ નવાભાઈ વસાવાએ દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મૂક્યો હતો. શાળાનાં આચાર્ય અમિતભાઈ માનસિંગભાઈ ચૌધરીએ સૌને આવકારી શાળાનો શૈક્ષણિક ચિતાર રજૂ કર્યો હતો. આ પ્રસંગે એસએમસી અધ્યક્ષ કમલાબેનનું શાળા પરિવારે સન્માન કર્યું હતું. આ તકે ગામનાં યુવાનો, વડીલો તથા આજુબાજુની શાળાનાં શિક્ષક ભાઈ-બહેનો ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. શાળાનાં આચાર્ય ચૌધરી અમિતભાઈ તથા ભાવનાબેને કેક કાપી સૌનો મોઢું મીઠું કરાવ્યું હતું.
શાળાનાં સ્થાપના દિનની સાથોસાથ ઉમરપાડા તાલુકા પ્રાથમિક સંઘનાં પ્રમુખ બિપીનભાઈ વસાવાનો જોગાનુજોગ જન્મદિવસ હોઈ કેક કાપી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. એચ.ટાટ આચાર્ય સંજયભાઈ, નિલેશભાઈ, પ્રકાશભાઈ, નરેશભાઈ તથા જિલ્લા સંઘનાં કન્વીનર અનિલભાઈ ચૌધરી તમામને શુભેચ્છા પાઠવી હતી. અંતમાં બાળકો સહિત સૌએ તિથિભોજન લઈ શાળા સ્થાપના દિવસનાં સાક્ષી બન્યાં હતાં. અંતમાં આચાર્ય અમિતભાઈએ આભારવિધિ આટોપી હતી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.