કલેકટરશ્રીના હસ્તે ટીબી મુક્ત પંચાયતોને એવોર્ડ આપવામાં આવ્યા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : રાષ્ટ્રીય ક્ષય નિર્મુલન કાર્યક્રમ અંતર્ગત તાપી જિલ્લા કક્ષા ઉજવણી સંદર્ભે જીલ્લાના સમાહર્તા એવા ડો.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને ૫૩ ગ્રામ પંચાયતોને ‘ટીબી મુક્ત પંચાયત’નો સિલ્વર અને બ્રોન્ઝ એમ બે કેટેગરીમાં એવોર્ડ આપવમાં આવ્યો હતો. આ એવોર્ડ મુખ્યત્વે ટીબીના દર્દીઓને શોધવા, સારવાર આપવી, રોગને વધુ પ્રસાર થતો અટકાવવો, તેમજ સશક્તિકરણ કરવું એમ ચાર બાબતોને ધ્યાનમાં રાખવા માટે આપવામાં આવે છે. તેમજ ૬ ઈન્ડીકેટરના આધારે આ એવોર્ડ આપવામાં આવે છે. તાપી જીલ્લાની ૪૪ ગ્રામ પંચાયતો પ્રથમ વખત તેમજ ૯ પંચાયતોને બીજી વખત આ એવોર્ડ પ્રાપ્ત થયો હતો. તમામ ગ્રામ પંચાયતના સરપંચને જિલ્લા સેવા સદન ખાતે આયોજિત સમારોહમાં કલેકટરશ્રીના હસ્તે એવોર્ડ સર્ટીફીકેટ વિતરણ કરી પ્રોત્સાહિત કર્યા હતા.
આ સમારોહને સંબોધતા ક્લેકટરશ્રી વિપિન ગર્ગે ટીબી મુક્ત પંચાયતની કેટેગરીમાં સ્થાન પામી છે તેવી તમામ પંચાયતોને અભિનંદન આપતા જણાવ્યું હતું કે આ પંચાયતો દર વર્ષે આ કેટેગરીમાં સ્થાન જાળવી રાખે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. જે નાગરિકોને ટીબી થાય છે તેમણે મુક્તપણે જાહેર કરવું જોઈએ અને તેની સારવાર કરાવવી જોઈએ. લોકો ભય અને અંધશ્રદ્ધાને લીધે ડોક્ટર પાસે જતા નથી. દરેક સરપંચ ગામના આગેવાન છે તેમણે આ ગેરમાન્યતા દુર કરવામાં ભાગ ભજવવો જોઈએ. જે રીતે આપણને ડેન્ગયુ, મેલેરિયા, ટાઈફોઈડ થાય છે તેમજ આ પણ એક બીમારી છે. દરેક રોગની સારવાર શક્ય છે તેમ ટીબી પણ મટી શકે છે. વહેમ, અંધશ્રદ્ધાને દુર કરવામાં સરપંચ ખુબજ નિર્ણાયક જવાબદારી નિભાવવાની છે. મહિલા સરપંચોએ ગામમાં જે બહેનોનું વજન ઓછુ હોય, સગર્ભા હોય તેમણે પોષણ મળી રહે તેના માટે પ્રયત્ન કરવા આહવાન કર્યું હતું. બાળ લગ્નો અટકાવવાની ગામના આગેવાન તરીકે સરપંચની ફરજ છે. બાલિકાઓ અને નાના બાળકો દરરોજ આંગણવાડી જાય તે સુનિશ્ચિત કરવું જોઈએ, ભૂલકાઓ રોજ નિશાળે જાય, સરપંચ સક્રિય થઈ આ બધું કામ કરશે તો તમારું ગામ દીપી ઉઠશે.
આમ સમગ્ર સમારોહમાં કુલ ૫૩ ગ્રામ પંચાયતોને એવોર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલા સરપંચોની ઉપસ્થિતિ હતી.
કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બાગુલીયા, ક્ષય અધિકારી શ્રી રાજુ ચૌધરી, જિલ્લા ક્ષય કેન્દ્રના ડોકટરો, કર્મચારીઓ, અને મોટી સંખ્યામાં સરપંચો હાજર રહ્યા હતા.
૦૦૦૦૦૦૦
——
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.