ઓલપાડની મહાદેવ શાસ્ત્રી વિદ્યાલય ખાતે યોજાયેલ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષણ વિભાગની પ્રોજેક્ટ સ્કૂલ્સમાં પ્રવેશ અને સ્કોલરશીપ માટેની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) આજરોજ તેનાં નિર્ધારિત કાર્યક્રમ મુજબ મહાદેવ શાસ્ત્રી વિદ્યાલય ખાતે યોજવામાં આવી હતી. જે પરીક્ષા ઓલપાડ તાલુકાની સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓનાં નોંધયેલ ૫૧૩ બાળકો પૈકી ૩૬૪ બાળકોએ ૧૧.૦૦ થી ૧.૩૦ કલાક દરમિયાન શાંતિપૂર્ણ માહોલમાં આપી હતી.
પરીક્ષા બાબતે વધુ માહિતી આપતાં બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે જણાવેલ હતું કે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાઈબલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ અને રક્ષાશક્તિ સ્કૂલ્સમાં ધોરણ-૬ માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ યોજના માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટનાં મેરિટનાં આધારે સ્કોલરશીપ યોજના શરૂ કરવામાં આવી છે જેને સારો પ્રતિસાદ સાંપડેલ છે. તેમણે તમામ પરીક્ષાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. સમગ્ર પરીક્ષા પ્રક્રિયાને સુપેરે પાર પાડવા મહાદેવ શાસ્ત્રી વિદ્યાલયનાં આચાર્ય ભરત પટેલ, પંકજ પટેલ સહિત સ્ટાફગણે જહેમત ઉઠાવીહતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.