American India Foundation અને L&T કંપની, હજીરાનાં CSR દ્વારા આયોજીત ઈનોવેશન કોમ્પિટિશનમાં કરંજ પ્રાથમિક શાળાનાં શિક્ષક નિલેશ પટેલની ઝળહળતી સિદ્ધિ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તાજેતરમાં અડાજણ સુરત ખાતે શિક્ષક સશક્તિકરણનાં ભાગરૂપે કેન્દ્રીયકૃત શિક્ષક તાલીમ અને નવીનતા સ્પર્ધા American India Foundation અને L&T કંપની, હજીરાનાં CSR દ્વારા યોજવામાં આવી હતી. જેમાં ઓલપાડ અને ચોર્યાસી તાલુકાની વિવિધ શાળાઓનાં 31 શિક્ષક ભાઈ-બહેનોએ જોડાયા હતાં. તાલીમનાં પ્રથમ દિવસે શિક્ષકોએ DEWoT અને STEM પ્રવૃત્તિઓ દ્રારા વિદ્યાર્થીઓ માટે શિક્ષણને વધુ આકર્ષક અને વ્યવહારુ કેવી રીતે બનાવવું તે અંગે સંશોધન કર્યુ હતું. તાલીમનાં બીજા દિવસે શિક્ષકોએ કોડિંગ સર્જનાત્મકતા, પિક્ટોબ્લોક્સ અને ઓરિગામિ વિષયક માહિતી મેળવી તેને અનુરૂપ પ્રવૃત્તિઓ યોજી હતી.
આ સાથે અપેક્ષિત શિક્ષક ઇનોવેશન હરીફાઈ યોજવામાં આવી હતી, જેમાં તાલીમાર્થી શિક્ષકોએ તેમનાં સર્જનાત્મક શિક્ષણ મોડેલ્સનું પ્રદર્શન કર્યું હતું. નિશાંત પટેલ (ડેપ્યુટી જનરલ મેનેજર, એલ એન્ડ ટી હજીરા), બ્રિજેશ પટેલ (બીઆરસી, ઓલપાડ) અને પરેશ ટંડેલ (બીઆરસી, ચોર્યાસી) સહિત નિર્ણાયકોની પેનલે ટોચનાં ત્રણ મોડલની પસંદગી કરી હતી. જેમાં ઓલપાડની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કરંજ પ્રાથમિક શાળાનાં શિક્ષક નિલેશ પટેલ પ્રથમ ક્રમે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા ક્રમાંક- 246 નાં શિક્ષિકા સ્મિતા ગામિત દ્વિતીય ક્રમે જ્યારે ઓલપાડની ટકારમા હાઇસ્કૂલનાં શિક્ષિકા કેયૂરી પટેલ તૃતિય ક્રમે વિજેતા જાહેર થયા હતાં. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારીમાં યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.