ઓલપાડની મીરજાપોર પ્રાથમિક શાળામાં વિશ્વ ચકલી દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : માનવજાત સાથે ચકલીઓ સદીઓથી જોડાયેલ છે. ‘હાઉસ સ્પેરો’ તરીકે વિખ્યાત આ ચકલીઓનું અસ્તિત્વ આજે જોખમમાં છે. દુનિયામાં ઘટી રહેલી ચકલીઓની સંખ્યાને ધ્યાનમાં રાખી 20 માર્ચનાં દિવસને ચકલી દિન તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવવામાં આવે છે.
ચકલી બચાવો અભિયાન અંતર્ગત ઓલપાડ તાલુકાનાં ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, કરંજ સંલગ્ન મીરજાપોર પ્રાથમિક શાળામાં આચાર્ય અંજના પટેલ તથા ઉપશિક્ષકો સોનલ બ્રહ્મભટ્ટ અને મિતેશ પટેલનાં માર્ગદર્શન હેઠળ બાળકોએ અવનવા ‘સ્પેરો હાઉસ’ તૈયાર કરી શાળામાં વિવિધ જગ્યાએ સ્થાપિત કર્યા હતાં. આ પ્રસંગે ઉપસ્થિત સી.આર.સી. કો-ઓર્ડિનેટર વિજય પટેલ જણાવ્યું હતું કે માણસજાતની બદલાતી રહેણીકરણી, શહેરીકરણ, ખેતરોમાં બેફામ જંતુનાશક દવાઓનો છંટકાવ જેવાં પરિબળોને લીધે ચકલીઓની સંખ્યા દિવસે દિવસે ઘટતી જાય છે ત્યારે સૃષ્ટિની સજાવટ માટે તેમની જાળવણી કરવી એ આપણો સાચો ધર્મ બને છે. તેમણે આજનાં દિવસનું મહત્વ સમજી ચકલીઓ માટે માળાની વ્યવસ્થા કરી સાચા અર્થમાં ચકલીદિન સાર્થક કરવાનો પ્રયત્ન કરનાર મીરજાપોર, કમરોલી, ભગવા, મંદરોઇ તથા અન્ય શાળાઓને અભિનંદન પાઠવ્યા હતાં.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.