બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા ધોરણ 6 થી 8 નાં શિક્ષકોની ભાષા શિક્ષણ તાલીમ યોજાઇ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : એકવીસમી સદીનાં શિક્ષણ અંગેનાં UNESCO નાં અહેવાલમાં આજીવન શિક્ષણની વાત કરવામાં આવી છે. એ જ રીતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માં પણ શિક્ષકો માટે સતત વ્યવસાયિક વિકાસનાં ભાગરૂપે તાલીમની ભલામણ કરવામાં આવી છે. જે અંતર્ગત ભાષા શિક્ષણ વિશેનાં અદ્યતન ખ્યાલો કયા છે તે અંગે શિક્ષકો માહિતગાર થાય એવાં મૂળભૂત હેતુસર બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજી ભાષા તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ વર્ગમાં તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવતાં ધોરણ 6 થી 8 નાં શિક્ષક ભાઈ-બહેનોએ સહર્ષ ભાગ લીધો હતો.
આ તબક્કાવાર તાલીમ વર્ગનાં પ્રારંભે બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે સૌ તાલીમાર્થીઓને આવકારી જણાવ્યું હતું કે વિવિધ શૈક્ષણિક સંશોધનો સહિત સત્રાંત પરીક્ષાઓનાં પરિણામનાં આધારે GCERT દ્વારા શિક્ષકો માટે વિવિધ તાલીમ કાર્યક્રમો યોજવામાં આવે છે. વિદ્યાર્થીઓને અઘરી લાગતી ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજીની અધ્યયન નિષ્પત્તિઓ માટે કેવી અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા યોજી શકાય એ બાબત તાલીમનો મુખ્ય હેતુ છે. તેમણે દરેક શિક્ષકને ઈનોવેટીવ પેડાગોજીનો પોતાનાં વર્ગખંડમાં કઈ રીતે ઉપયોગ કરવો તેનાં પર પ્રકાશ પાડ્યો હતો.
સદર તાલીમ વર્ગમાં તજજ્ઞોએ શૈક્ષણિક વિષયવસ્તુ બાળકોને કેવી રીતે સરળતાથી તથા અસરકારક રીતે શીખવી શકાય તે બાબતોને વિવિધ આયામો થકી તાલીમાર્થીઓ સમક્ષ રજૂ કરી હતી. સદર ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજી તાલીમનાં વર્ગ સંચાલક તરીકે અનુક્રમે કીમનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર અશોક પટેલ, માસમાનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર આશા ગોપાણી, કુદિયાણાનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર હેમાલી પટેલ તથા સીથાણનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર રાકેશ મહેતાએ સેવા આપી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
