કડી ખાતે ખ્વાજા બદરુદ્દીન ચિશ્તીનો ભવ્ય ઉર્સ ઉજવાયો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદી સાથે સંકળાયેલા મહાન સૂફી સંત હઝરત ખ્વાજા સૈયદ બદરુદ્દીન ચિશ્તી (ર.હ) નો ઉર્સ મેળો મોટામિયા માંગરોળની ગાદીનાં હાલનાં ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી અને તેમનાં સુપુત્ર- ઉત્તરાધિકારી ડો. મતાઉદ્દીન ચિશ્તીની ઉપસ્થિતિમાં કડી મુકામે પરંપરા અનુસાર ધુળેટીનાં દિવસે યોજાયો હતો. તેઓની સાથે ડો. મતાઉદ્દીન ચિશ્તીનાં સુપુત્ર નિઝામુદ્દીન ચિશ્તી તથા બદરુદ્દીન ચિશ્તી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં. ખ્વાજા બદરુદ્દીન ચિશ્તી (રહ.)ની દરગાહ ઉપર પરંપરાગત રીતે મોટામિયાં માંગરોલની ગાદીનાં અધિકૃત ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ચિશ્તીના હસ્તે સંદલ શરીફની વિધિનો આરંભ થયો હતો. ધુળેટીનાં વિશેષ દિવસે આ ઉર્સ વર્ષોથી ઉજવવામાં આવે છે, આ વર્ષે સાથે સાથે રમજાન માસ પણ હોય સાદગીથી વિધિ કરવામાં આવી હતી, ત્યારબાદ ભાઈચારા, કોમી એકતા માટે પણ ખાસ દુઆ કરવામાં આવી હતી.
આ પવિત્ર પ્રસંગે ગાદી વતી ડો. મતાઉદ્દીન ચિશ્તીએ જણાવ્યું હતું કે સૌ મોટામિયાં માંગરોલની ગાદીનાં રુહાની તારથી જોડાયેલા છીએ, એકબીજાને સમજી, સંગઠિત રહી રુહાની પ્રગતિ કરવા ઉપરાંત વ્યસનમુક્ત થવા અનુરોધ કરી, શિક્ષણ સાથે સુસંસ્કાર પ્રાપ્ત કરવા જણાવેલ હતું. આ ઉર્સમાં વિવિધ વિસ્તારમાંથી અકીદતમંદોએ હાજરી આપી હતી. સમગ્ર આયોજનમાં ઇસ્માઇલભાઇ એસ.ઘાંચી, અબ્દુલકાદર. કે. ઘાંચી, રઉફભાઇ એસ. ઘાંચી તેમજ અલીમોહમ્મદભાઇ સહિત વિવિધ સજ્જનોએ જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. બાવા સાહેબે સૌની સેવાને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.