જીવનની ટફ વિકેટ પર બાળકોને ધીરજપૂર્વક રમતાં શીખવાડે એ સાચો શિક્ષક : પ્રફુલભાઈ પાનસેરિયા

ચાણક્ય કપ-2025 : ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ આયોજીત રાજ્ય કક્ષાની ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વલસાડ જિલ્લો ચેમ્પિયન જ્યારે ખેડા જિલ્લો રનર્સઅપ
સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાની તાપ્તિવેલી ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે સેમિફાઇનલ તથા ફાઈનલમુકાબલો યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્રારા રાજ્ય કક્ષાની ચાણક્ય ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૨૫ યોજવાનું આયોજન કરવામાં આવેલ હતું. આયોજન મુજબ સદર ટુર્નામેન્ટ સમગ્ર રાજયમાં કુલ-૪ ઝોનમાં રમાડવામાં આવી હતી. જે અંતર્ગત ટુર્નામેન્ટની સેમીફાઈનલ તથા ફાઈનલ મેચ આજરોજ સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાની તાપ્તિવેલી ઈન્ટરનેશનલ સ્કૂલનાં ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવી હતી. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાનાં અધ્યક્ષસ્થાને યોજાયેલ આ ટુર્નામેન્ટમાં રમતવીર શિક્ષકોને પ્રોત્સાહિત કરવા ઇન્ચાર્જ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. અરૂણકુમાર અગ્રવાલ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી જૈમિનભાઈ પટેલ, કોષાધ્યક્ષ મહેન્દ્રભાઈ વિંછીયા, સિનિયર કાર્યાધ્યક્ષ ગોકુળભાઈ પટેલ, સિનિયર મંત્રી પ્રભાતસિંહ ખાંટ, સિનિયર ઉપપ્રમુખ વિક્રમસિંહ ગરાસિયા, ગુજરાત રાજ્ય કર્મચારી મંડળનાં પ્રમુખ સતિષભાઈ પટેલ, ઓલપાડ તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ ઠાકોર, ઓલપાડ તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ, ઉપપ્રમુખ કિરણભાઇ પટેલ, કારોબારી અધ્યક્ષ જયેશભાઇ પટેલ સહિત રાજ્ય, જિલ્લા તેમજ તાલુકા ઘટક સંઘનાં હોદેદારો ઉપસ્થિત રહ્યાં હતાં.
પ્રારંભે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે ઉપસ્થિત સૌને શાબ્દિક આવકાર આપ્યો હતો. સમારોહનાં અધ્યક્ષ એવાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ પોતાનાં પ્રાસંગિક ઉદબોધનમાં સદર ટુર્નામેન્ટને સંગઠનની એકરૂપતા માટેનું મહત્ત્વનું માધ્યમ ગણાવ્યું હતું. આ તકે ઈન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. અરૂણકુમાર અગ્રવાલે પોતાનાં સંબોધનમાં સારસ્વતોની ક્ષમતાને બાળકોનાં સર્વાંગી વિકાસનો પાયો ગણાવ્યો હતો. કન્વીનરો દ્રારા ટુર્નામેન્ટ અંગેની પ્રાથમિક માહિતી પ્રદાન થયા બાદ ઉપસ્થિત મહાનુભવોએ રિબિન કાપી ટોસ ઉછાળી ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો. પ્રથમ સેમી ફાઇનલ ખેડા અને કચ્છ જિલ્લા વચ્ચે યોજાઈ હતી, જેમાં ખેડા જિલ્લાની ટીમ વિજેતા બની હતી. જ્યારે બીજી સેમી ફાઇનલ અને દેવભૂમિ દ્રારકા અને વલસાડ જિલ્લા વચ્ચે યોજાઈ હતી, જેમાં વલસાડ જિલ્લાની ટીમ વિજેતા બની હતી. અંતમાં ટુર્નામેન્ટનો ફાઈનલ મુકાબલો ખેડા અને વલસાડ જિલ્લા વચ્ચે યોજાયો હતો. જેમાં ખેડાની ટીમે નિર્ધારિત 12 ઓવર ઓવરમાં 10 વિકેટે 72 રન કર્યા હતાં. આ ટાર્ગેટને વલસાડની ટીમે 7.5 ઓવરમાં 73 રન બનાવી સરળતાથી ચેઝ કરી લીધો હતો. આમ સદર ફાઈનલ મેચ ટીમ વલસાડ 7 વિકેટે જીતીને રાજ્ય કક્ષાની પ્રથમ ચાણક્ય કપ ચેમ્પિયન ટીમ બની હતી.
ટુર્નામેન્ટનાં સમાપન કાર્યક્રમમાં રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ ખાસ ઉપસ્થિત રહીને પ્રેરક ઉદબોધન કર્યુ હતું. તેમણે આ પ્રસંગે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની સરાહના કરી હતી. આ તકે બેસ્ટ બેસ્ટમેન તરીકે ઘોષિત થયેલ ટીમ વલસાડનાં પ્રશાંત ટંડેલ તથા બેસ્ટ બોલર, મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ તરીકે ઘોષિત થયેલ ગૌરાંગ ટંડેલને તેમણે ટ્રોફી અર્પણ કરી સન્માનિત કર્યા હતાં. આ સાથે જ ચેમ્પિયન તથા રનર્સ અપ ટીમે ખૂબ જ હર્ષોલ્લાસથી તેમનાં હસ્તે ટ્રોફી સ્વીકારી હતી. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.