ઓલપાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ધોરણ 8નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ મુખ્ય પ્રાથમિક શાળામાં આજરોજ ધોરણ 8 માં અભ્યાસ કરતાં બાળકોનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. ધોરણ 8 માં અભ્યાસ કરી રહેલાં બાળકો માટે આ વર્ષ શાળાનું અંતિમ વર્ષ હોઈ બાળકો પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવવા માધ્યમિક કક્ષાએ જઈ રહ્યાં છે ત્યારે શાળાનાં શિક્ષકો દ્વારા વિધાર્થીઓને શુભેચ્છાઓ સાથે આશીર્વચન પાઠવવામાં આવ્યા હતાં. આ પ્રસંગે શાળા વ્યવસ્થાપન સમિતિનાં સભ્યો તથા વાલીજનો ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.
વિદાય લઈ રહેલાં બાળકોએ આ શાળામાં વિતાવેલાં 8 વર્ષોને યાદ કરી પોતાની આંખો ભીની કરી હતી. શાળાનાં આચાર્ય કૈલાશબેન વરાછીયાએ સૌ વિધાર્થીઓને નિષ્ઠા અને આત્મવિશ્વાસ સાથે ભણીગણીને સમાજમાં નોંધપાત્ર સ્થાન હાંસલ કરવા માટેનાં શુભ આશિષ પાઠવ્યા હતાં. પ્રારંભે શાળાનાં ઉપશિક્ષિકા કલ્પનાબેન પટેલે સૌ વિધાર્થીઓને શબ્દગુચ્છથી નવાજ્યા હતાં. શાળા પરિવાર તરફથી વિદાય લેતાં સૌ વિધાર્થીઓને સ્મૃતિરૂપે ટી-શર્ટ ભેટ આપવામાં આવી હતી. આ તકે શાળાનાં ઉપશિક્ષિકા જયશ્રીબેન પટેલનાં જીવનસાથી અને ટી-શર્ટ તેમજ ભોજનનાં દાતા એવાં ઓલપાડ વકીલ મંડળનાં માજી પ્રમુખ મનિષકુમાર આર. પટેલ તરફથી ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષાએ ભાગ લેનારા શાળાનાં રમતવીરો માટે છ હજાર રૂપિયા દાનપેટે આપવાની જાહેરાત કરવામાં આવી હતી. સમારંભનાં અંતે શાળાનાં વિદ્યાર્થીઓએ શિક્ષકગણ સાથે પ્રિતિભોજન પાઉંભાજી અને પુલાવનો આસ્વાદ માણ્યો હતો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.