ઓલપાડની તાલુકાની સરકારી ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : વિજ્ઞાન દ્વારા પ્રાપ્ત થતાં વિવિધ લાભો પ્રતિ સમાજમાં જાગૃતિ લાવવા અને લોકોમાં વૈજ્ઞાનિક વિચારસરણી જાગૃત કરવાનાં શુભ હેતુસર નેશનલ સાયન્સ એન્ડ ટેકનોલોજી કાઉન્સિલ તથા મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીનાં ઉપક્રમે દર વર્ષે 28 ફેબ્રુઆરીનાં દિવસે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત હસ્તકની ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં આજરોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કે વિજ્ઞાન સરળતાથી તેની શ્રેષ્ઠતાનો પરિચય આપે છે. કોઈપણ દેશની પ્રગતિ માટે સૌથી વધુ ફાળો વિજ્ઞાન જ આપે છે. તેમણે સી.વી. રામનનું ઉદાહરણ ટાંકીને ઉમેર્યુ હતું કે બાળકોમાં પ્રાથમિક કક્ષાએથી વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે માટે આ પ્રકારનું વિશેષ આયોજન ભવિષ્યમાં ચોક્કસપણે ફળદાયી નીવડશે.
આ વર્ષનાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની વિશેષ થીમ ‘વિકસિત ભારત માટે વિજ્ઞાન અને નવીનતામાં વૈશ્વિક નેતૃત્વ માટે ભારતીય યુવા સશક્તિકરણ’ને ધ્યાનમાં રાખી તાલુકાની કરંજ, જીણોદ, મીરજાપોર, સાંધિયેર, માધર, સીથાણ, સાયણ, કીમ, પિંજરત, કુદિયાણા, માસમા, રાજનગર, અસ્નાબાદ સહિતની તાલુકાની ઉચ્ચતર પ્રાથમિક શાળાઓનાં વિજ્ઞાન શિક્ષકોએ શાળાનાં ધોરણ 6 થી 8 નાં બાળકોને સી.વી. રામનનો પરિચય આપી વિજ્ઞાન સંબંધિત વિવિધ ચાર્ટ, ચિત્ર, પ્રાયોગિક સાધનોનાં પ્રદર્શન સાથે અવનવા જીવંત પ્રોજેક્ટ રજૂ કર્યા હતાં. આ તકે ઉત્સુકતા અને કુતૂહલતા સાથે બાળકો વિજ્ઞાનમય બન્યા હતાં.
આ દિન વિશેષ નિમિત્તે શિક્ષકો આસપાસની સમસ્યાઓનાં ઉકેલ માટે તેમનાં નવા વિચારો અને નવીનતા શેર કરે છે તે હેતુસર તાલુકા કક્ષાએ ઓનલાઈન ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *