વ્યારા ખાતે ઉજવાયો જિલ્લા કક્ષાનો પૌષ્ટિક વાનગી સ્પર્ધાનો પોષણ ઉત્સવ કાર્યક્રમ

સંકલિત બાળ વિકાસ યોજનાના પોષણ ઉત્સવમાં આંગણવાડી કાર્યકરો, તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડ અપાયા
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આઈ.સી.ડી.એસ. મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા “પોષણ ઉત્સવ-૨૦૨૪-૨૫” અંતર્ગત તાપી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ વ્યારાના આંબેડકર હોલ ખાતે સંપન્ન થયો હતો. આ કાર્યક્રમ દ્વારા ટી.એચ.આર મિલેટ્સ, શ્રી અન્ન અને સરગવામાંથી બનતી પોષણયુક્ત વાનગીઓની સ્પર્ધા રાખવામાં આવી હતી જેથી પોષણયુક્ત આહાર પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે. વર્ષ ૨૦૨૧-૨૨નો જિલ્લા કક્ષાનો માતા યશોદા એવોર્ડ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
આ સમારંભમાં જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિના અધ્યક્ષ શ્રી તૃપ્તિબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. તેમજ મુખ્ય મહેમાન તરીકે પ્રાંત અધિકારીશ્રી સંદીપ ગાયકવાડ હાજર રહ્યા હતા. સમગ્ કાર્યક્રમના આયોજક એવા સી.ડીપી.ઓ શ્રી તન્વીબેન પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય શ્રી ભુપેન્દ્રભાઈ ગામીત, આયુર્વેદિક શાખાના ડો.જયશ્રીબેન ચૌધરી તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના આરતીબેન સોની તેમજ વિશાળ સંખ્યામાં આંગણવાડી કાર્યકરો અને ભૂલકાઓ હાજર રહ્યા હતા. અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે મહિલા અને બાળ વિકાસ વિભાગ લાભાર્થીઓના પોષણ અને આરોગ્ય માટે સતત પ્રયત્નશીલ છે. બાળકો, કિશોરીઓ, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓ સુપોષિત બને તે માટે તેઓના આહારમાં પોષ્ટિક ખોરાકનો ઉપયોગ થાય તે ખુબ જ જરૂરી છે. બહેનોનું સ્વાસ્થ્ય ખુબજ જરૂરી છે. માટે તમામ બહેનોએ આ યોજનાનો લાભ લેવો જોઈએ.
પ્રાંત અધિકારી શ્રી ગાયકવાડે જણાવ્યું હતું કે દૂધ, આંબળા અને સરગવો આપણા માટે ખુબ ઉપયોગી છે. આપણા જીલ્લામાં પ્રાકૃતિક કૃષિ કરી ખેડૂતો સ્વાસ્થ્યનો સંદેશો ફેલાવી રહ્યા છે, જીલ્લાના તમામ નાગરિકોને પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનો વાપરવા માટે તેમણે આપિલ કરી હતી તેમજ બાળકોને મોબાઈલ થી દુર રાખવા સુચન કર્યું હતું.
આપણે ચોકલેટ, દૂધ કે શ્રીખંડ ખાઈએ છીએ તે અમૂલ કે બનાસ ડેરી દ્વારા બનાવવામાં આવતા ટેક હોમ રાશન (ટીએચઆર) એટલે કે પૂર્ણાશક્તિ, માતૃશક્તિ અને બાલશક્તિના પેકેટ રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી મારફત ધાત્રી, સગર્ભા મહિલા, કિશોરી અને બાળકોના પોષણયુક્ત આહાર માટે આપવામાં આવે છે. આ પેકેટ એટલા સ્વાદિષ્ટ હોય છે કે તેને કોરા ખાવાની પણ મજા આવે છે. ટેક હોમ રાશનના ઉપયોગથી કેવા પ્રકારની વાનગી બની શકે છે, એનું નિદર્શન કરવા માટે સમયાંતરે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. આ વખતે આવી સામગ્રી માંથી વાનગીઓ બનાવીને સ્પર્ધા યોજવામાં આવી હતી. જેને નિર્ણાયકોએ ચાખીને પસંદ કર્યા હતા. જેમાં આલુટીક્કી, મિક્સ વેજીટેબલ ઈડલી, હાંડવો, તેમજ મીલેટસના અપ્પમ જેવી વાનગીઓ ને નંબર આપવામાં આવ્યા હતા.
અન્ય બાળકોને પોતીકા ગણી લાલનપાલન કરવા બદલ જેમને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ માતા યશોદાનું બિરૂદ આપ્યું છે, એવા આંગણવાડી સંચાલિકા અને તેડાગર બહેનોનું રોકડ પુરસ્કાર, પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડમાં ૪૧ હજારથી લઈને ૧૧ હજાર સુધીનું ઇનામ આપવામાં આવ્યું હતું. જેની કુલ રકમ ૩ લાખ કરતા પણ વધારે થતી હતી આવા કુલ 17 બહેનોને એવોર્ડ આપવામાં આવ્યો હતો.
૦૦૦૦૦
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.