ઓલપાડ તાલુકાનાં આંગણે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ આયોજીત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટની સેમી ફાઈનલ તથા ફાઈનલ ક્રિકેટ મેચનો મુકાબલો યોજાશે

ચાણક્ય ક્રિકેટ ટુર્નામેન્ટની ત્રણેય મેચ આગામી 2 જી માર્ચનાં રોજ દાંડી રોડ સ્થિત તાપ્તિવેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે રમાશે
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ આયોજીત રાજ્યનાં પ્રાથમિક શિક્ષકોની “રમશે ચાણક્ય-જીતશે ચાણક્ય”ની થીમ ઉપર ક્રિકેટ ટુર્નામેન્ટની બે સેમી ફાઇનલ અને ફાઇનલ ક્રિકેટ મેચ આગામી તા.2 જી માર્ચ ને રવિવારનાં રોજ ઓલપાડ તાલુકાનાં સુરત-દાંડી રોડ ખાતેની તાપ્તિવેલી ઇન્ટરનેશનલ સ્કૂલનાં ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજવાનું સુચારુ આયોજન કરવામાં આવેલ છે.
સદર ક્રિકેટ ટુર્નામેન્ટનાં કન્વીનર એવાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ (સ્યાદલા) તેમજ વિક્રમસિંહ ગરાસીયાએ એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાનાં અધ્યક્ષસ્થાને રોજાનારી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્દઘાટન રાજ્ય સરકારનાં વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ તથા રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલભાઇ પાનસેરીયાનાં વરદ્દ હસ્તે સવારે 9:00 કલાકે કરવામાં આવશે. આ ટુર્નામેન્ટની પ્રથમ સેમી ફાઇનલ મેચ સવારે 9:30 કલાકે ખેડા અને કચ્છ જિલ્લાની ક્રિકેટ ટીમ વચ્ચે રમાશે. જયારે બીજી સેમી ફાઇનલ મેચ બપોરે 12:30 કલાકે દેવભૂમિ દ્વારકા અને વલસાડ જિલ્લાની ક્રિકેટ ટીમ વચ્ચે રમાશે. આ બંન્ને સેમી ફાઇનલ મેચનાં પરિણામ બાદ વિજેતા ટીમો વચ્ચે બપોરે 3:00 કલાકથી ફાઇનલ મુકાબલો શરૂ થશે. ફાઇનલ મેચનાં અંતે સાંજે 5:00 કલાકે ટ્રોફી વિતરણ સહિતનો સમાપન કાર્યક્રમ યોજાશે.
ટુર્નામેન્ટ દરમિયાન સારસ્વત મિત્રોને પ્રોત્સાહિત કરવા સુરત જિલ્લા શિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમાર, ઇન્ચાર્જ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. અરૂણકુમાર અગ્રવાલ, ઓલપાડ તાલુકા ભાજપા પ્રમુખ કુલદીપસિંહ ઠાકોર, ઓલપાડ તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ, ઉપપ્રમુખ કિરણભાઇ પટેલ, કારોબારી અધ્યક્ષ જયેશભાઇ પટેલ, તાપ્તિવેલી ઈન્ટરનેશનલ સ્કૂલનાં ચેરમેન પ્રમોદભાઈ ચૌધરી સહિત રાજ્ય, જિલ્લા તેમજ તાલુકા ઘટક સંઘનાં હોદેદારો ઉપસ્થિત રહેશે. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.