બારડોલીની અસ્તાન કન્યા વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાનો તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે એવાં શુભ હેતુસર જિલ્લા કક્ષાનો તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિનાં અધ્યક્ષશ્રી ભારતીબેન રાઠોડનાં અધ્યક્ષસ્થાને બારડોલી તાલુકાની અસ્તાન કન્યા વિદ્યાલય ખાતે યોજવામાં આવ્યો હતો. જિલ્લા પંચાયત કચેરી આયોજીત આ સમારંભનાં પ્રારંભે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. અરૂણકુમાર અગ્રવાલે શબ્દગુચ્છ દ્વારા સૌને આવકાર્યા હતાં.
સદર કાર્યક્રમ અંતર્ગત જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ (ધોરણ-૧ થી ૮) કે જેમણે કેન્દ્ર કક્ષાએ પ્રથમ, દ્વિતીય કે તૃતિય સ્થાન અંકિત કરેલ છે તેવાં સમગ્ર જિલ્લાનાં ૨૮૨ જેટલાં વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભવોનાં હસ્તે પ્રમાણપત્ર, ટ્રોફી, સ્કૂલબેગ, લંચબોક્સ તથા અન્ય શૈક્ષણિક સામગ્રી અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને સંબોધીને પ્રેરક ઉદબોધન કર્યુ હતું. આ તકે ઉપસ્થિત સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે તમામ તેજસ્વી તારલાઓને અભિનંદન પાઠવ્યા હતાં.
નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વસાવાએ કાર્યક્રમનાં સુચારુ આયોજન બદલ સુરત જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગની ટીમ, બારડોલી તાલુકા પંચાયત કચેરી શિક્ષણ શાખાની ટીમ, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં કાર્યવાહક પ્રમુખ બળવંતભાઈ પટેલ સહિત બારડોલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ આશિષભાઈ મૈસુરીયા તથા એમની ટીમની કામગીરીને બિરદાવી હતી. સદર કાર્યક્રમમાં સર્વશ્રી સામાજિક ન્યાય સમિતિનાં અધ્યક્ષ અમિષાબેન પરમાર, તાલુકા પંચાયત બારડોલીનાં પ્રમુખ જમનાબેન રાઠોડ, દિપીકાબેન, રેખાબેન, પ્રેમકુમાર ગોસ્વામી, કેતનભાઈ દેસાઈ સહિતનાં સદસ્યોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ, વાલીજનો તથા શિક્ષકો માટે ભોજનની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા ઉદઘોષક યાસીન મુલતાની તથા શૈલેષ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.