વિનય મંદિર ગ્રામભારતી કહેર-કલમકુઈ ખાતે વિશ્વ માતૃભાષા દિન ઉજવાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને વેડછી પ્રદેશ સેવા સમિતિ, વાલોડ સંચાલિત વિનય મંદિર ગ્રામભારતી કહેર-કલમકુઈનાં સંયુક્ત ઉપક્રમે તા.21/02/2024નાં શુભ દિને વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે “માતૃભાષા મહોત્સવ મળી માતૃભાષા મને ગુજરાતી” કાર્યક્રમ યોજાયો. સદર કાર્યક્રમમાં વકતા તરીકે વેડછી પ્રદેશ સેવા સમિતિ, વાલોડનાં પ્રમુખશ્રી આદરણીય તરલાબેન શાહ તેમજ વ્યારા આર્ટસ કોલેજ નાં અધ્યાપક્શ્રી ડૉ. મેરૂભાઈ વાઢેરે સેવા બજાવી હતી. સદર કાર્યક્રમ નાં સંયોજકશ્રી વિનય મંદિર ગ્રામભારતી કહેર-કલમકુઈનાં આચાર્યશ્રી હિતેશભાઈ માહ્યાવંશી હતા.
કાર્યક્રમની શરુઆત ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. શાળાનાં વિદ્યાર્થીઓએ સમૂહમાં પ્રાર્થના રજૂ કરી હતી. ત્યારબાદ માં સરસ્વતીની પ્રતિકૃતિ આગળ મહેમાનોએ દીપ પ્રાગટ્ય કર્યું હતું. શાળાનાં આચાર્યશ્રી હિતેશભાઈએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી તેમનો ટુંકમાં પરિચય આપતા જણાવ્યું કે તેઓ M,PHIL P.HD પદવી પ્રાપ્ત કરી શિક્ષણ ક્ષેત્રે સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરે તેઓ 1996 થી આર્ટસ કોલેજમાં સેવા બજાવી રહ્યા છે ગુજરાતી ભાષા સાહિત્યને ઘણા પુસ્તકો આપ્યા છે જેવાકે કાવ્યક્ષારે, કાવ્યાનુસંગે, શબ્દાનુસંગે, ગુજરાતીખંડકાવ્યો, ગુજરાતીગીત,ગઝલ,લોકવિર્મશ,ગામીત જાતિનું લોકસાહિત્ય અને દક્ષિણ ગુજરાતની આદિજાતિનાં લોકગીતો જેવાં પુસ્તકોનું પ્રદાન કર્યું છે એવું જણાવ્યું હતું.ત્યારબાદ તેમનું સ્વાગત સુવિચાર કાર્ડ અને ગુજરાત સાહિત્ય અકાદમી,ગાંધીનગર દ્રારા મળેલ ‘’ શ્રી અરવિંદ જીવનધારા’’ પુસ્તક અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ કાર્યક્રમનાં આગલા ચરણમાં વ્યારા આર્ટસ કોલેજનાં ગુજરાતી વિષયનાં અધ્યાપક્શ્રી ડૉ. મેરૂભાઈ વાઢેરે પોતાની રોચક શૈલીમાં ગુજરાતી ભાષાનું મહત્વ સમજાવતા અનેકવિધ ઉદાહરણો આપ્યા હતા.તેમણે માં, માતૃભૂમિ અને માતૃભાષાનું જીવનમાં અનન્ય સ્થાન છે. વધુમાં તેમને જણાવ્યું હતું કે ગુજરાતી ભાષા સાથે અનેક બોલીઓ સંકળાયેલી છે. તેમના દ્રારા તળપદા શબ્દોની સમજ આપવામાં આવી હતી. અંગ્રેજી માધ્યમની શાળામાં અભ્યાસની ઘેલછામાં આપણે 7 હજાર જેટલા ગુજરાતી શબ્દો રોજીંદા જીવનમાંથી ભૂલી ગયા છે.અંતમાં તેમને માતૃભાષા વિષય અનુસંધાને પોતાની રચના રજૂ કરી હતી.સાથે માતૃભાષા છોડાય નહિ જેમાં વિચાર આવે તે પણ માતૃભાષા.અંતમાં બાળકોને એક સુત્ર આપવામાં આવ્યું હતું “વટથી કહો અમે ગુજરાતી.
કાર્યક્રમના બીજા વક્તા કે જેમની પાસે 8 દાયકાના અખૂટ અનુભવો અને સારા એવા વાંચક છે તેવા વેડછી પ્રદેશ સેવા સમિતિ, વાલોડનાં પ્રમુખશ્રી આદરણીય તરલાબેન શાહે માતૃભાષાનું મહત્વ સમજાવતા કહ્યું કે જે પ્રદેશની ભાષા સમૃધ્ધ,તે પ્રદેશની પ્રજા વધુ સંસ્કારી. ભાષા જયારે ખોવાતી હોય ત્યારે તેની ચિંતા કરવી જોઈએ. ભાષા શા માટે ખોવાય છે -તે અંગે તેમને જણાવ્યું કે જ્યારે આપણે ભાષાનો ઉપયોગ કરવાનું બંધ કરી દઈએ ત્યારે તે ભાષા ખોવાય છે. માટે બાળકોને ખૂબ વાંચવા માટે અનુરોધ કરતા જણાવ્યું કે આનંદથી વાંચો, સમજ પૂર્વક વાંચો અને જે વાંચ્યું તેના પર વિચારો. શરૂઆતમાં વાર્તાથી વાંચનમાં રસ કેળવી શકાય ત્યારબાદ નવલકથા,પ્રવાસ વર્ણન અને ચરિત્ર દર્શન વાંચવાની ટેવ વિકસાવવી જોઈએ. માતૃભાષાનું ગૌરવ કેવું હોય તે માટે તેમણે રવિન્દ્રનાથનું ટાગોરનું ઉદાહરણ આપ્યું હતું. તેમને બાળકોને આપણા પ્રદેશના સાહિત્યકારોથી અવગત કરાવ્યા હતા.ત્યારબાદ શાળાના શિક્ષિકા બહેન મનિષાબેન ચૌધરીએ ગુજરાતી સાહિત્યના લેખકો અને કવિઓના જીવન- કવન વિશે અને તેમની અમર કૃતિઓ વિશે વિદ્યાર્થીઓને સમજ આપી હતી.આમ આ સમગ્ર કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે ઉજવાયો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શિક્ષિકા બહેન પુનિતાબેન પટેલે કર્યું હતું. અંતે આચાર્યશ્રીએ ઉપસ્થિત સર્વ મહેમાનોનો આભાર પ્રગટ કર્યો હતો. કાર્યક્રમના અંતે સૌએ સમૂહમાં રાષ્ટ્રીય ગીતનું ગાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ “ મારા હસ્તાક્ષર , મારી માતૃભાષામાં ” તેને અંતગર્ત મહેમાનો તથા વિદ્યાર્થીઓએ ગુજરાતીમાં પોતાના હસ્તાક્ષર કર્યા હતા.
આમ ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને વેડછી પ્રદેશ સેવા સમિતિ, વાલોડ સંચાલિત વિનય મંદિર ગ્રામભારતી કહેર-કલમકુઈનાં સંયુક્ત ઉપક્રમે “માતૃભાષા મહોત્સવ.મળી માતૃભાષા મને ગુજરાતી” કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.