સ્ટેટ કોરોના લાયઝન અધિકારી જી.સી.પટેલ તાપી જિલ્લાની મુલાકાતે
“કોરોના” સંદભે હાથ ધારેલી કામગીરીથી સંતોષ વ્યક્ત કરી તંત્રને અભિનંદન પાઠવ્યા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા; 15; “કોરોના” સંદર્ભે ઉચ્ચકક્ષાના અધિકારીઓનું માર્ગદર્શન જે તે જિલ્લાઓને મળી રહે, અને જિલ્લા તથા રાજ્ય કક્ષાએ સૂચારુ અનુકૂલન સાધી શકાય તે માટે, રાજ્ય સરકારે ઉચ્ચકક્ષાના અધિકારીઓને જે તે જિલ્લાઓ ફાળવીને, “કોરોના” સંક્રમણને નાથવાના પ્રયાસો હાથ ધર્યા છે, જે સંદર્ભે તાપી જિલ્લા માટે પણ રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક નિયામક શ્રી જી.સી.પટેલની નિયુક્તિ કરવામાં આવી છે.
જે મુજબ તાજેતરમાં શ્રી જી.સી.પટેલે ગત તા.9 અને 14 મે, 2020ના રોજ તાપી જિલ્લાની રૂબરૂ મુલાકાત લઈ, જિલ્લાની આરોગ્ય સ્થિતિનો ખ્યાલ મેળવ્યો હતો. “કોરોના” સંદર્ભે તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરીનો ચિતાર મેળવી શ્રી પટેલે જિલ્લાની કામગીરીથી સંતોષ વ્યક્ત કરી, ટિમ તાપીને આ બાબતે અભિનંદન પાઠવ્યા હતા.
તાપીના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હર્ષદ પટેલના જણાવ્યા અનુસાર, શ્રી જી.સી.પટેલે “કોવિદ-19” ડેડીકેટેડ હોસ્પિટલ, તથા “કોવિદ-19” કેર સેંટરની રૂબરૂ મુલાકાત લઈ, જિલ્લા અધિકારીઓને ઉપયોગી માર્ગદર્શન પૂરું પડ્યું હતું. આરોગ્ય વિભાગની દૈનિક સરવેલન્સની કામગીરીનો ચિતાર મેળવી, શ્રી પટેલે ILI/SARI ના સરવેલન્સની કામગીરીને વધુ સઘન બનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
શ્રી જી.સી.પટેલની આ મુલાકાત વેળા તાલુકા ટિમ દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરી શ્રી પટેલને, જિલ્લા કલેક્ટર શ્રી આર.જે.હાલાણીના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લામાં હાથ ધરવામાં આવેલી કામગીરીથી વાકેફ કરાવાયા હતા.
–