ઓલપાડની નરથાણ પ્રાથમિક શાળાનાં શતાબ્દી મહોત્સવની ઉમળકાભેર ઉજવણી કરવામાં આવી

દાતાઓનું સન્માન, ઈનામ વિતરણ, વાર્ષિકોત્સવ જેવાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયા
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : બાળકોમાં રહેલી અદ્ભુત કલાશકિત ઉજાગર કરી તેમનાં સ્વપ્નોને પાંખ આપનાર નરથાણ પ્રાથમિક શાળાને ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં શાળાનો ‘શતાબ્દી મહોત્સવ’ તા..૧૨-૦૨-૨૦૨૫ નાં રોજ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને દીપાવવા બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ, બીટ નિરીક્ષક ભરત ટેલર, ગામનાં સરપંચ જ્યોતિ સુરતી, ઉપસરપંચ ઉમેશ પટેલ, ભોજન દાતા વાલજી વઘાસીયા, તાલુકા પંચાયત સદસ્ય પ્રિયંકા પટેલ સહિત શાળામાં ફરજ બજાવી ચૂકેલ શિક્ષક ભાઈ-બહેનો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
પ્રારંભે મહેમાનોનાં હસ્તે દીપ પ્રજ્વલન બાદ શાળાનાં આચાર્ય શ્રીમતી કાવ્યાની સારંગે સૌનું શાબ્દિક સ્વાગત કરી શાળાનો ચિતાર રજૂ કર્યો હતો. આ તકે બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે પોતાનાં સંબોધનમાં જણાવ્યું હતું કે આપણે શિક્ષણને માત્ર પરિણામ સાથે જોડી દીધું છે પણ એવું ન હોઈ શકે, પ્રક્રિયાનું અનુસરણ પણ અગત્યની ભૂમિકા ભજવે છે. શું બરાબર નથી તેનો ખ્યાલ હોવો જોઈએ એ માટે પ્રયત્નશીલ રહેવું જરૂરી છે. બાળક શાળા છોડે ત્યારબાદ તેનામાં શિસ્ત, સમજણ અને સંસ્કારનો ત્રિવેણી સંગમ હોય તેનું નામ શિક્ષણ છે, જે બાબતને આ ગામની શાળાએ ખરા અર્થમાં ફળીભૂત કરી છે. તેમણે શતાબ્દી મહોત્સવની બાળકો, શિક્ષકગણ તથા ગ્રામજનોને શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રસંગે યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં શાળાનાં બાળકોએ નાટક, અભિનયગીત, ફિલ્મી ડાન્સ, રાસ-ગરબા, પ્રાદેશિક નૃત્ય જેવી એકથી એક ચડિયાતી કૃતિઓ રજૂ કરી દર્શકોનાં મન મોહ્યાં હતાં. દર્શકો દ્વારા આ તકે દાનની સરવાણી વહી હતી. આ સાથે સિદ્ધિને વરેલ પ્રતિભાશાળી બાળકોને ઉપસ્થિત મહાનુભવોનાં હસ્તે ઈનામ વિતરણ તથા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. અંતમાં શાળાનાં ઉપશિક્ષિકા મિનાક્ષી પટેલે આભારવિધિ આટોપી હતી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.