કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા તાપી ખાતે ૨૨મી વૈજ્ઞાનિક સલાહકાર બેઠક યોજાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, ન્યુ દિલ્હી દ્વારા પુરૂસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી, દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તાપી જિલ્લામાં વ્યારા ખાતે કાર્યરત છે. આ કેન્દ્ર ખાતે ૨૨મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક નવસારી કૃષિ યુનિવર્સિટીના મા. કુલપતિશ્રી ડૉ. ઝેડ. પી. પટેલના અધ્યક્ષપદ અને માર્ગદર્શન હેઠળ તા. ૧૧/૦૨/૨૦૨૫ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે યોજાઇ હતી. જેમાં ન.કૃ.યુ., નવસારીના મા. વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ. એચ. આર. શર્મા, કેવિકેના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, વૈજ્ઞાનિકશ્રીઓ, તાપી જિલ્લાના ખેતીવાડી, બાગાયત અને પશુપાલન વિભાગના નાયબ નિયામકશ્રીઓ, પ્રગતિશીલ ખેડૂતો, NGOના પ્રતિનિધિઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકના અધ્યક્ષ તથા ન.કૃ.યુ યુનિવર્સિટીના માન. કુલપતિશ્રી ડૉ. ઝેડ. પી. પટેલએ કૃષિ વિજ્ઞાન કેન્દ્રની પ્રવૃત્તિઓને તેમની આગવી શૈલીથી બિરદાવી હતી અને જણાવ્યું હતું કે આ કૃષિ કેન્દ્રના વૈજ્ઞાનિકો જિલ્લાના છેવાડાના ગામોમાં જઈને કૃષિની આધુનિક યાંત્રિકતાઓનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ત્યારે નવસારી કૃષિ યુનિવર્સિટીના વિવિધ સંશોધનો ખેડુતો સુધી પહોંચાડવા તેમજ જિલ્લાના દરેક ખેડુતો આ સંશોધનો વિશે અવગત થાય એ માટે “વન ટેકનોલોજી, વન વિલેજ” કન્સેપ્ટ વિશે વૈજ્ઞાનિકોને જરૂરી સૂચનો કર્યા હતા. વધુમાં તેમણે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ગૃહવિજ્ઞાન વિભાગ દ્વારા આપેલ પોષણયુક્ત લાડુ બનાવવાની તાલીમ અને માર્કેટિંગ માટે કરેલ કાર્યોની સરાહના કરી હતી. વધુમાં ડૉ. પટેલએ સેંદ્રિય કાર્બનની લભ્યતા અને જમીનની ફળદ્રુપતા વધારવા માટે બાયોચારની ઉપયોગીતા વિશે ખેડૂતોને માહિતગાર કરવા અને ખેડૂતોના ખેતરે બાયોચાર યુનિટ સ્થાપવા અંગે સૂચન કર્યું હતું તથા રોબોટિક ગ્રાફટ મશીન દ્વારા તૈયાર કરાયેલ રીંગણના ધરું ખેડૂતોને ઉપલબ્ધ કરાવી ખેડૂતોમાં પ્રચાર-પ્રસાર માટે આહવાહન કર્યું હતું. વધુમાં ડૉ. પટેલ એ ગૃહઉદ્યોગોની પેદાશોના યોગ્ય પેકેજીંગ ઉપર ધ્યાન આપવા તથા “આંબાના પાણીચા” ને પ્રિઝર્વેશન પધ્ધતિ ઉપર ખેડૂતોમાં જાગૃતતા આવે અને સારી આવક મેળવે એના ઉપર ભાર મૂક્યો હતો.
નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારીના માન. વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ. એચ. આર. શર્માએ કેવિકે વ્યારા દ્વારા કરવામાં આવેલ વિવિધ વિસ્તરણ પ્રવૃતિઓને બિરદાવી નવસારી કૃષિ યુનિવર્સિટીની જુદી જુદી ટેક્નોલોજીઓ ખેડૂતો અપનાવતા થાય એ માટેના વિસ્તરણ કાર્યો વિશે માર્ગદર્શિત કર્યા હતા. વધુમાં તેમણે જણાવ્યું કે કેવિકે તાપી દ્વારા આપવામાં આવેલ અગ્રિમ હરોળ નિદર્શનની ટેક્નોલોજીઓ જિલ્લાના કૃષિ અને સંલગ્ન વિભાગો દ્વારા પ્રચાર પ્રસાર થાય એ અંગે સૂચન કર્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં કેન્દ્રના વડા ડૉ. સી. ડી. પંડ્યા એ સભ્યશ્રીઓને આવકાર આપી વર્ષ ૨૦૨૪નો કેન્દ્રનો પ્રગતિ અહેવાલ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી વિસ્તૃત રીતે સમજાવ્યો હતો. ડૉ. પંડ્યા એ કેન્દ્ર દ્વારા કરવામાં આવેલ વિવિધ તાલીમો, અગ્રિમ હરોળ નિદર્શન, જુદી જુદી વિસ્તરણ પ્રવૃત્તિઓ, સફળતાની વાર્તાઓ, ઇમ્પેક્ટ સ્ટડીઝ તેમજ કેન્દ્રએ મેળવેલ સિદ્ધિઓની વિસ્તૃત ચર્ચા કરી હતી તથા વર્ષ ૨૦૨૫ના એન્યુઅલ એક્શન પ્લાનની પણ ચર્ચા કરી હતી અને સભ્યશ્રીઓ દ્વારા આપવામાં આવેલ સૂચનોનો પણ એક્શન પ્લાનમાં સામેલ કરવામાં આવશે. સદર કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રગતિશીલ ખેડૂતો શ્રીમતી કુસુમબેન વિનોદભાઇ ગામીત અને શ્રીમતી સંગીતાબેન ઉમેશભાઈ ગામીત, ગુણસદા, તા. સોનગઢ તથા શ્રીમતી અંજનાબેન ગામીતએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-વ્યારા દ્વારા આપવામાં આવેલ વ્યવસાયલક્ષી તાલીમના પ્રતિભાવો રજૂ કર્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને આભારવિધિ ડૉ. એ. જે. ઢોડીયા વૈજ્ઞાનિક (કૃષિ વિસ્તરણ) દ્વારા કરવામાં આવી હતી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.