સાયણ સુગર ફેક્ટરી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની અંજની ભરવાડે કલા મહાકુંભની વકતૃત્વ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ અવ્વલ સ્થાન હાંસલ કર્યુ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : વલથાણની એસ.યુ.વી. ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાનાં કલા મહાકુંભમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની સાયણ સુગર ફેક્ટરી પ્રાથમિક શાળામાં ધોરણ-7 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની અંજની જગદીશભાઈ ભરવાડે વકતૃત્વ સ્પર્ધામાં ઝળહળતો દેખાવ કરી સમગ્ર સુરત જિલ્લામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી પોતાની શાળા સહિત ઓલપાડ તાલુકાનું નામ રોશન કરેલ છે.
જિલ્લા કક્ષાનાં કલા મહાકુંભ 2024-25 અંતર્ગત યોજાયેલ વકતૃત્વ સ્પર્ધામાં 6 થી 14 વર્ષની વય જૂથમાં આ પ્રતિભાવંત દીકરીએ પ્રથમ ક્રમ મેળવી ઝોન અને રાજ્ય કક્ષા તરફ દોટ માંડી છે. તેણીને શાળાનાં આચાર્ય જગદીશ પ્રજાપતિ, સ્ટાફગણ સહિત શાળા વ્યવસ્થાપન સમિતિ સહિત ઓલપાડ તાલુકાનાં બીઆરસી કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે અભિનંદન પાઠવ્યા હતાં. આ સાથે સાયણ સુગર ફેક્ટરીનાં ચેરમેન રાકેશભાઈ પટેલ દ્વારા પ્રજાસત્તાક દિનનાં શુભ અવસરે દીકરીનું બહુમાન કરવામાં આવ્યું હતું. સમગ્ર સાયણ સુગર વિસ્તારમાં આ સમાચારથી સૌએ આનંદ અને ગૌરવની લાગણી અનુભવી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.