ઓલપાડની કરમલા પ્રાથમિક શાળાનાં બાળકોએ વનભોજનની મજા માણી

કુંભ સ્નાન કરી આવેલ અછારણ ગામનાં યુવા દંપતીએ નવો ચીલો ચાતર્યો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : મહા કુંભમેળોએ ધાર્મિક-આધ્યાત્મિક અનુષ્ઠાનો માટેનું એક ભવ્ય આયોજન છે. જેમાં સંગમ સ્નાન તમામ અનુષ્ઠાનોમાં સૌથી મહત્ત્વપૂર્ણ હોવાનું હિંદુ ધર્મનાં લોકો માને છે. મહાકુંભમાં વિશ્વભરનાં સાધુસંતો, ઋષિઓ અને ભક્તજનો શ્રદ્ધાથી પવિત્ર નદીઓમાં સ્નાન કરીને આધ્યાત્મિક મુક્તિ પ્રાપ્ત કરવા માટે ઉમટે છે. ત્યારે પ્રયાગરાજ ખાતે હાલમાં જ શાહી સ્નાન પૂર્ણ કરી પરત આવેલા મૂળ અછારણ તા. ઓલપાડનાં વતની અને હાલ સુરત જહાંગીરપુરા સ્થિત અંકુરપાર્ક સોસાયટીનાં રહીશ દંપતી હિરેન પટેલ તથા તેમનાં ધર્મપત્ની જીગુ પટેલે એક નવો ચીલો ચાતર્યો છે. તેમણે શાસ્ત્રો મુજબ બ્રહ્મભોજનને બદલે ‘બાલ દેવો ભવ’ ની ઉક્તિને યથાર્થ સમજી ઓલપાડ તાલુકાની કરમલા ગામની સરકારી પ્રાથમિક શાળાનાં 160 જેટલાં તમામ બાળકો માટે વનભોજનનું આયોજન હાથ ધર્યુ હતું.
સદર પુણ્ય કાર્યનાં ભાગરૂપે આ દંપતીએ ગામ નજીક આવેલ બાગબાન ફાર્મ ખાતે બાળકોને ભાવપૂર્વક પાઉંભાજી, સલાડ, છાશની મિજબાની ઉપલબ્ધ કરીને પોતાનું ધાર્મિક ઋણ અદા કર્યુ હતું. આ તકે બાળકોનાં ચહેરા પર આનંદ છવાયો હતો. ભોજનનો આસ્વાદ માણી બાળકોએ અહીં વિવિધ રમતો રમી આનંદ કિલ્લોલ સાથે ધીંગામસ્તી કરી હતી. શાળાનાં આચાર્ય નિલેશ પટેલ અને સ્ટાફગણ સહિત શાળા વ્યવસ્થાપન સમિતિ તથા વાલીજનોએ હિરેન પટેલ તથા જીગુ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.