ઓલપાડની જીણોદ પ્રાથમિક શાળામાં આનંદમેળો યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની જીણોદ પ્રાથમિક શાળામાં આનંદમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોમાં આનંદની સાથોસાથ વ્યવહારિક જ્ઞાન પણ કેળવાય એવાં શુભ હેતુસર યોજાયેલ આ આનંદમેળામાં બાળકો ખૂબજ ઉત્સાહભેર જોડાયા હતાં. સદર આનંદમેળાને એસ.એમ.સી. અધ્યક્ષ હેમાક્ષીબેન અજયભાઈ પટેલે રિબિન કાપી ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે ગામનાં સરપંચ વર્ષાબેન રાઠોડ તથા ઉપસરપંચ ભારતીબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ આનંદમેળામાં મંચુરિયન, સમોસા, મકાઈ ભેલ, પાણીપુરી, આલુપુરી, બ્રેડ પકોડા, દહીંપુરી, મિક્સ ભજીયા, ઈડલી સંભાર, ફ્રેન્કી, મનચાઉં સૂપ, ગુલાબજાંબુ, ફ્રેન્ચફ્રાઈ, બટાકા ભુંગળા, લીંબુ શરબત, મસાલા છાશ જેવી અવનવી વાનગીઓનાં વિવિધ સ્ટોલ બાળકો દ્વારા ઉભા કરવામાં આવ્યા હતાં. શાળાનાં બાળકો, શાળા વ્યવસ્થાપન સમિતિનાં સભ્યો, વાલીજનો તથા ગ્રામજનોએ દરેક સ્ટોલની સ્વાદિષ્ટ વાનગીઓનો ભરપૂર રસાસ્વાદ માણ્યો હતો.
આનંદ કિલ્લોલ સાથે યોજાયેલ આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાનાં આચાર્ય ચિરાગ પટેલ, ઉપશિક્ષિકા આશા ખોલીયા તથા રેખા રાઠોડે જહેમત ઉઠાવી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.