જિલ્લા કક્ષાની વાર્તા કથન અને લેખન સ્પર્ધામાં ઓલપાડની કુંદિયાણા પ્રાથમિક શાળાનો ઝળહળતો દેખાવ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત દ્વારા જિલ્લા કક્ષાની વાર્તા કથન તથા વાર્તા લેખન સ્પર્ધાનું આયોજન ડાયેટ, સુરત ખાતે કરવામાં આવ્યું હતું. જ્યાં સમગ્ર જિલ્લામાંથી તાલુકા કક્ષાએ વિજેતા બાળકોએ સહર્ષ ભાગ લીધો હતો. જેમાં કુંદિયાણા પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરી પોતાની શાળા સહિત સમગ્ર તાલુકાનું નામ રોશન કરેલ છે. સ્પર્ધાનાં ત્રણ સ્ટેજ પૈકી ધોરણ 1/2 (ફાઉન્ડેશનલ સ્ટેજ) વાર્તા કથન સ્પર્ધામાં નવ્યા કિરીટભાઈ પટેલે તથા ધોરણ 3 થી 5 (પ્રિપેરેટરી સ્ટેજ) વાર્તા કથન સ્પર્ધામાં હેરી નીતિનભાઈ પટેલે દ્વિતીય ક્રમ હાંસલ કર્યો હતો. જેમને ઉપસ્થિત મહાનુભવોનાં હસ્તે રોકડ પુરસ્કાર સહિત પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતાં. આ પ્રતિભાવંત વિધાર્થીઓ નવસારી ખાતે આગામી ઝોન કક્ષાની સ્પર્ધામાં સુરત જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. વિધાર્થીઓની આ સિદ્ધિને શાળાનાં આચાર્ય વિનોદ પટેલ, બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ સહિત ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવ પટેલ તથા સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટ પટેલે બિરદાવી તેમને અભિનંદન પાઠવ્યા હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે આ સ્પર્ધામાં ગત વર્ષે પણ આ જ શાળાનાં વિદ્યાર્થીઓ યસ્વી કિરીટભાઈ પટેલે રાજયકક્ષા સુધી જ્યારે હિર કેયૂરભાઇ પટેલે ઝોન કક્ષા સુધી પહોંચી પોતાની ક્ષમતા પુરવાર કરી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.