“લોકડાઉન” ના કપરા કાળમાં પણ તાપી જિલ્લા વહીવટી તંત્ર ખેડૂતોની પડખે 

Contact News Publisher

ધરતીપુત્રો તથા ગ્રાહકો વચ્ચે સાંકળ બનતું વહીવટી તંત્ર 

જિલ્લા સેવા સદનના ગેટ પાસે ઓર્ગેનિક કૃષિ પેદાશોના બજારની વ્યવસ્થા થકી સીધા ખેડુતોના ખેતરથી ખેડુતો દ્વારા જ વેચાણનો અવસર પૂરો પડાયો 

ઓર્ગેનિક ખેતી કરતા ખેડુતો દ્વારા જંતુનાશક દવામુક્ત અને રાસાયણિક ખાતરમુક્ત ગાય આધારિત ખેતી (ઓર્ગેનિક ખેતી) થી પકવેલ કૃષિ પેદાશોના વેચાણથી પોષણક્ષમ ભાવો મળી રહે તેવો પ્રશાસનિક અભિગમ

ખેડૂતોને રોજગારી સાથે પ્રજાજનોને શુદ્ધ અને સાત્વિક શાકભાજી પૂરા પડાયા 
 
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા; 14; “લોકડાઉન”ના કપરા કાળમાં ચારે કોર ધંધા રોજગાર ઉપર વિપરીત અસરો વર્તાઇ રહી છે ત્યારે, તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા, જિલ્લાના ઓર્ગેનિક ખેતી કરતાં ખેડૂતો પ્રત્યે વિશેષ સંવેદના દાખવી, તેમના ખેત ઉત્પાદનના વેચાણની તક પૂરી પાડીને, આડકતરી રીતે મદદરૂપ થવાનો અભિગમ સ્પસ્ટ કરાયો છે.

જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખા, બાગાયત શાખા, અને આત્મા પ્રોજેક્ટના સંયુક્ત ઉપક્રમે, ગત તા.26મી જાન્યુઆરી 2020થી પાનવાડી સ્થિત જિલ્લા સેવા સદન ખાતે ઓર્ગેનિક કૃષિ પેદાશો જેવી કે એપલ બોર, ફ્લાવર, સરગવાની
સીંગ, બ્રોકલી, ભીંડા, લીલા ચોળા, લીલી ચોળી, ટીંડોળા, મશરૂમ, કારેલા, ગલકા, કાળા ચોખા (બ્લેક રાઇસ), લાલ ચોખા, આયુર્વેદીક કેશ તેલ, તોતાપુરી કેરી, લીલી ભાજી, સફેદ કાંદા, લાલ કાંદા જેવી કૃષિ પેદાશોના વેચાણ માટેના બજારની શરૂઆત કરવામાં આવી હતી.

આ બજારમાં વિવિધ કૃષિ પેદાશોના વેચાણ માટે જિલ્લાના પસંદગીના ૨૧ જેટલા ખેડુતો, સીધા પોતાના ખેતરેથી ગ્રાહકો સુધી તેમનું ખેત ઉત્પાદન પહોંચાડી શકે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. જિલ્લા સેવા સદન, વ્યારાના ગેટ પાસે દર સોમવાર, ગુરૂવાર અને શનિવાર એમ અઠવાડીયામાં ત્રણ દિવસ સવારે ૧૦ થી સાંજે ૫ વાગ્યા સુધી અહી વેચાણ વ્યવસ્થા કરવામાં આવી છે.

“કોરોના” સંક્રમણને પગેલ સર્જાયેલી “લોકડાઉન”ની સ્થિતિ વચ્ચે પોતાનું તૈયાર ખેત ઉત્પાદન વેચવાની મુશ્કેલી અનુભવતા આ ધરતીપુત્રોને, જિલ્લા કલેક્ટર શ્રી આર.જે.હાલાણી તથા જિલ્લા વિકાસ અધિકારી કૂ.નેહા સિંહના માર્ગદર્શન હેઠળ ખેતીવાડી વિભાગ દ્વારા પૂરતી બજાર વ્યવસ્થા જાળવવા સાથે, જરૂરિયાતમંદ પ્રજાજનોને શુદ્ધ, સાત્વિક ખેત ઉત્પાદન મળી રહે તે માટે સંવેદનાપૂર્વક વેચાણ વ્યવસ્થા સુનિશ્ચિત કરીને, ખેડૂતો તથા ગ્રાહકોની વચ્ચે સાંકળ બનવાનું કામ જિલ્લા પ્રશાસને કર્યું છે.

આ ખેડુતો પરંપરાગત કૃષી વિકાસ યોજના અંતર્ગત C1 સર્ટીફીકેટ, GOPCA સર્ટીફિકટ તથા ROKA સર્ટીફીકેટ ધરાવે છે. જેઓનુ રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે.  સરકારશ્રી દ્વારા જાહેર કરાયેલા પ્રથમ લોકડાઉન તારીખ ૨૩-૦૩-૨૦૨૦ થી ૧૪-૪-૨૦૨૦, ત્યારબાદ તારીખ ૧૫-૦૪-૨૦૨૦ થી ૦૩-૫-૨૦૨૦ બીજુ લોકડાઉન, અને તારીખ ૦૪-૦૫-૨૦૨૦ થી ૧૭-૫-૨૦૨૦ દરમ્યાન ત્રીજા લોકડાઉન દરમિયાન પણ આ કૃષિ પેદાશોના વેચાણ બજારમા ખેડૂતોને હાજર રાખી, કૃષિ પેદાશોના વેચાણ સાથે આજીવિકા મેળવવા ઉપરાંત જરૂરિયાતમંદ પ્રજાજનોને શુદ્ધ, સાત્વિક શાકભાજી પૂરા પાડીને જગતના તાતનો ધર્મ પણ સુપેરે બજાવ્યો છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other