સુરત મહાનગરપાલિકાનાં કર્મચારીને 7 લાખનાં ચેક રીટર્નનાં કેસમાં ઓલપાડનાં એડી.ચીફ જ્યુ.મેજી. દ્વારા 1 વર્ષની કેદની સજા ફટકારાઈ તથા વળતર તરીકે ફરીયાદીને 7 લાખ રૂપિયા ચૂકવી આપવા હુકમ ફરમાવ્યો

એડવોકેટ એન્ડ નોટરી મનીષકુમાર આર. પટેલ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ મુકામે રહેતાં અને દાણા ચણાનો વેપાર કરતાં ફરીયાદી ગોવિંદભાઈ મીઠાભાઈ બારૈયા, રહે : ઢાંકણી ફળીયુ, ઓલપાડ, તા. ઓલપાડ, જી. સુરતનાં મિત્ર નામે ગીરીશભાઈ જેસંગભાઈ પરમાર, જેઓ સુરત મહાનગરપાલિકામાં નોકરી કરે છે. જેઓએ ફરીયાદી પાસેથી સને 2021 નાં વર્ષમાં હાથ ઉછીના રૂા. 3,50,000 લઈ ગયેલા અને તેનાં બદલામાં તેમની માલીકીનું ઓલપાડ મુકામે સાંઈઆશિષ સોસાયટીમાં આવેલ મકાન નં : 89 નો અસલ દસ્તાવેજ અને કબજો આપી તે બાબતનું બાંહેધરી કરાર લખી આપેલ. ત્યારબાદ થોડા સમય પછી આરોપી ફરીથી રૂા. 3,50,000 હાથ ઉછીના લઈ ગયેલા અને તેનાં બદલામાં આરોપીએ ફરીયાદીને રૂા. 7,00,000 પુરાનો એસ.બી.આઈ, રાંદેર શાખાનો ચેક નંબર : 394724 તા. 6/1/2022 નાં રોજનો લખી આપેલો, જે ચેક ફરીયાદીએ તેમની એસ.બી.આઈ. ઓલપાડ શાખામાં તા. 11/2/2022 નાં રોજ ડીપોઝીટ કરાવેલ. જે ચેક તા. 11/2/2022 નાં રોજ 01-ફંડ ઈનસફીસીયન્ટ નાં શેરા સાથે વણચુકવ્યે પરત આવેલ. જે બાબતે ફરીયાદીએ તેમનાં વિદ્વાન એડવોકેટ મનીષકુમાર આર.પટેલ મારફતે આરોપીને લીગલ નોટીસ પાઠવેલી. જે નોટીસ આરોપીએ સ્વીકારેલી નહીં. ત્યારબાદ ફરીયાદીએ તેમનાં વિદ્વાન એડવોકેટ મનીષકુમાર આર પટેલ, એડવોકેટ અઝહર આઈ. સૈયદ તથા એડવોકેટ ભૂમિકુમારી એસ. પટેલ મારફત ઓલપાડ કોર્ટમાં ખાનગી ફોજદારી ફરીયાદ દાખલ કરેલી. જે ફરીયાદ ઓલપાડ કોર્ટમાં ચાલી જતાં ઓલપાડનાં એડી.ચીફ.જ્યુ.મેજીસ્ટ્રેટે ફરીયાદીનાં વિદ્વાન એડવોકેટ એન્ડ નોટરી મનીષકુમાર આર. પટેલની ધારદાર દલીલ ગ્રાહ્ય રાખીને તા. 16/1/2024 નાં રોજ આરોપી ગીરીશભાઈ જેસંગભાઈ પરમારને નેગોશીએબલ ઈન્સટ્રુમેન્ટ એકટની કલમ 138 અન્વયેનાં ગુનામાંથી સી.આર.પી.સી.ની કલમ 255(2) મુજબ તકસીરવાન ઠરાવી 1 વર્ષની સાદી કેદની સજા અને વળતર તરીકે ફરીયાદીને હુકમના 1 માસની અંદર 7 લાખ રૂપિયા ચુકવી આપવા હુકમ ફરમાવવામાં આવેલ હતો.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.